કુતિયાણા-રાણાવાવ પાલિકા ચૂંટણી: વધેલા મતદારો છતાં મતદાનમાં ઉતાર-ચડાવ
કુતિયાણામાં 2.19% મતદાન ઘટ્યું, રાણાવાવમાં 5.35%નો વધારો
- Advertisement -
કુતિયાણા-રાણાવાવમાં શાંતિપૂર્ણ મતદાન, હવે પરિણામોની આતુરતા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.17
કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા માટે 16 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી ચૂંટણીમાં મતદારોની ભારે ઊર્જા જોવા મળી. હંમેશા ચર્ચામાં રહેતી કુતિયાણા નગરપાલિકા માટે ખાસ કરીને આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે, કારણ કે બાહુબલીઓ વચ્ચેની ટક્કર પરિણામોને ઉથલ-પાથલ કરી શકે છે.
કુતિયાણા પાલિકામાં કુલ 13962 મતદારોમાંથી 8353 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો, જે 59.83% મતદાન સુધી પહોંચ્યું. ખાસ નોંધનીય છે કે, 2018ની સરખામણીએ આ વખતે 11.91% નવા મતદારો નોંધાયા છતાં મતદાનમાં 2.19%નો ઘટાડો નોંધાયો. 2018માં 62.02% મતદાન થયું હતું, જ્યારે આ વખતે તે 59.83% જ રહ્યું.
રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં 34970 મતદારોમાંથી 17553 લોકોએ મતદાન કર્યું, જે 50.19% મતદાન સુધી પહોંચ્યું. 2018ની ચૂંટણીમાં 44.84% મતદાન થયું હતું, એટલે કે આ વખતે 5.35%નો વધારો જોવા મળ્યો.
- Advertisement -
ચૂંટણી દરમિયાન ટેક્નિકલ સમસ્યાઓ
કુતિયાણા અને રાણાવાવમાં કુલ 8 ઈવીએમ મશીનો (બેલેટ યુનિટ) બદલવા પડ્યા.
કુતિયાણા: વોર્ડ નં. 1, 3 અને 5માં 4 યુનિટ બદલવા પડ્યા.
રાણાવાવ: વોર્ડ નં. 2 અને 4માં 4 યુનિટમાં ખામી જણાઈ.
પરિણામો પર અસર કેવી રહેશે?
ચૂંટણીમાં બે પક્ષો વચ્ચે ભારે ટક્કર છે, ખાસ કરીને કુતિયાણામાં. અહીં બાહુબલીઓ વચ્ચેનો સંઘર્ષ મતદાનમાં સીધી અસર કરતો જોવા મળ્યો. મતદાનમાં થોડો ઘટાડો થયાં છતાં પણ જે મતદાન થયું છે, તે પરિણામોને ઉથલ-પાથલ કરી શકે છે. રાણાવાવમાં, મતદારોની સંખ્યામાં વધારો અને મતદાનની ટકાવારીમાં વૃદ્ધિ દર્શાવે છે કે અહીંના રાજકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવી શકે છે.
ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, અને હવે બધાની નજર પરિણામ પર છે. કુતિયાણામાં બાહુબલીઓની ટક્કર અને રાણાવાવમાં વધેલા મતદાનને ધ્યાનમાં રાખીને, આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા છે.
કુતિયાણામાં કડક સુરક્ષા, ગામ સિવાય અન્ય લોકોને પ્રવેશબંધી
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં સુરક્ષાની દ્રષ્ટિએ કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. ખાસ કરીને ગામ બહારના વ્યક્તિઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ, કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, હિરલબા જાડેજા અને અન્ય આગેવાનોને પણ શહેરમાં પ્રવેશવા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ આજે કુતિયાણામાં હોલ્ટ રાખ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા નીરીક્ષી હતી.
કુતિયાણાના પ્રવેશદ્વારો પર પોલીસની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર પોલીસના જવાનો દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ પગલાં શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કાયમ રાખવા માટે લેવામાં આવ્યો હતો. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને કુતિયાણા શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેને કારણે શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, અતિરિક્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે, અને હાઇઅલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનાના અનુસંધાને સ્થાનિક અને રાજકીય માહોલ ગરમાયો છે, અને લોકોમાં આ સમગ્ર મુદ્દે વિવિધ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા આદેશોનું પાલન કરવા માટે જનતા સમક્ષ અપીલ કરવામાં આવી છે.
ચૂંટણી પરિણામ આવતીકાલે જાહેર થશે
પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયા બાદ હવે મતગણતરીની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલે, 18 ફેબ્રુઆરી 2025, સવારે 8:00 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે, જે રાણાવાવ સરકારી વિનિયાન કોલેજ અને કુતિયાણા સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાશે. મતગણતરી દરમિયાન કોઈ અયોગ્ય પ્રવૃત્તિ ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ, જછઙ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મતગણતરી કેન્દ્રોની આસપાસ 200 મીટર સુધી ચારથી વધુ વ્યક્તિઓ એકઠી થઈ શકશે નહીં. માત્ર અધિકૃત પાસ ધરાવતા ઉમેદવાર, તેમની ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટોને જ પ્રવેશ મળશે. મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, વાયરલેસ ઉપકરણો અને અન્ય સંદેશાવ્યવહાર સાધનોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રોની આસપાસ વાહન વ્યવહાર સરળ રહે તે માટે નક્કી કરેલા પાર્કિંગ ઝોનમાં જ વાહનો પાર્ક કરવાની સુચના આપવામાં આવી છે. આ નિયમો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 મુજબ લાગુ કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મતગણતરી દરમિયાન જિલ્લા વહીવટીતંત્રની તાકેદી નજર રહેશે અને દરેક પ્રક્રિયા નિયમિત અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.
મતદાનના દર કલાકના આંકડા
કુતિયાણા:
7 થી 9: 6.86%
9 થી 11: 16.35%
11 થી 1: 15.03%
1 થી 3: 10.48%
3 થી 5: 8.31%
5 થી 6: 2.53%
કુલ: 59.83% મતદાન થયું. 13,962 મતદારોમાંથી 8,353 લોકોએ મતદાન કર્યું
રાણાવાવ:
7 થી 9: 5.30%
9 થી 11: 12.82%
11 થી 1: 12.29%
1 થી 3: 8.61%
3 થી 5: 7.67%
5 થી 6: 3.5%
કુલ: 50.19% મતદાન થયું. 34,970 મતદારોમાંથી 17,553 લોકોએ મતદાન કર્યું