પદ્મભૂષણ સ્વ. કેશુબાપાને ભૂલવામાં આવી રહ્યા છે: આંતરરાષ્ટ્રીય કુર્મી સેના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર ભારતમાં વસતા કૂર્મી પટેલોની સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિના ઉદેશથી નવગઠિત સામાજિક સંગઠન “આંતરરાષ્ટ્રીય કુર્મી સેના” દ્વારા ગુજરાત રાજ્યમાં તેનો સૌ પ્રથમ કાર્યક્રમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પદ્મભૂષણ સ્વ.કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભાના સ્વરૂપમાં રાજકોટ ખાતે મવડી વિસ્તરમાં બાપાસીતારામ ચોક ખાતે 27 ઓક્ટોબરના રોજ રાત્રે 8 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ તકે આંતરરાષ્ટ્રીય કુર્મીસેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતને આપેલ અનેક યોજનાઓની ભેટ અને વિકાસ માટે યોગદાન આજે ભુલાઈ રહ્યું છે અથવા ભૂલવામાં આવી રહ્યું છે. ત્યારે તેને નવી પેઢીમાં જીવંત રાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજારો લોકોની ઉપસ્થિતિમાં ખાસ હિરાસર ઇન્ટરનેશન એરપોર્ટને કેશુભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ આપવામાં આવે તેવો ઠરાવ મૂકી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે. કેશુભાઈ પટેલ જીવન પર લિખિત ધરતી પુત્ર કેશુભાઈ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સભ્ય ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પદ્મભૂષણ કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે સ્મરણાંજલિ સભામાં સમગ્ર રાજ્યમાંથી રાજકીય-સામાજિક મહાનુભાવો તથા 10થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમના આયોજનને લઈને આયોજકો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં આવેલ પાટીદાર સમાજની તમામ સંસ્થાના મુખ્ય આગેવાનોને રૂબરૂ મળીને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સર્વે સમાજની ભાગીદારી રહે તે માટે દરેક સમાજના આગેવાનો સુધી હાલ આમંત્રણ આપવાનું કામ ચાલી રહ્યું છે.
- Advertisement -
સ્વ. કેશુભાઈ પટેલની આ ભવ્યાતિ ભવ્ય સ્મરણાંજલિ સભામાં તેમના સમગ્ર જીવનસંઘર્ષની સફરને ઉજાગર કરતું પુસ્તક “ધરતીપુત્ર કેશુભાઈ”નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકના લેખક મેઈન સ્ટ્રીમ મીડિયામાં લગભગ તમામ માતબર અખબારોમાં કામ કરી ચૂકેલા સિનિયર પત્રકાર લેખક એવા દિલીપભાઈ પટેલ છે. તેમના દ્વારા અગાઉ પણ કેશુભાઈ પટેલ પર એક નાનકડી પુસ્તિકાનો આલેખન કરવામાં આવ્યું હતું. તેમજ સ્મરણાંજલિ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ. કેશુભાઈ પટેલના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ શોર્ટ ફિલ્મ કસુંબો જેવી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટ રહી ચૂકેલા ઋષભભાઈ ભાવસારના ડાયરેક્શનમાં બનાવવામાં આવી છે. કાર્યક્રમમાં આવનાર જનતા જનાર્દન માટે પણ અનેક આકર્ષણો મૂકવામાં આવ્યા છે. જેમાં સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીના વિશાળ કટ આઉટ સાથેના સેલ્ફી પોઇન્ટ તથા સ્વ. કેશુભાઈ પટેલના વિશાળ કટ આઉટ મેદાનમાં મુકવામાં આવશે. સ્વ. કેશુભાઈ પટેલ દ્વારા તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન સમગ્ર ગુજરાતની પ્રજા માટે જે આયોજનો કરવામાં આવ્યા હતા, તેની ઝલક પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. કેશુભાઈ પટેલ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રચલિત ગુંડાગીરી સામે અવાજ ઉઠાવી તેને નાબૂદ કરી હતી. ગોકુળ ગ્રામ યોજના દ્વારા ગામડાઓને પણ શહેરો જેવા પાકા રોડ રસ્તાઓ આપ્યા હતા. જ્યોતિ ગ્રામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક વીજળી મળી રહે તે પ્રકારનું અદકેરું આયોજન કર્યું હતું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હજારો ચેકડેમ બનાવીને પાણીનું તળ ઊંચું લાવી ખેતી અને ખેડૂતોને અનન્ય ભેટ આપી હતી. કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતની જનતાને અનેક યોજનાઓ મળી છે, ત્યારે આપણે સૌએ પણ તેમની યાદગીરીને જીવંત રાખવી જોઈએ. આ હેતુથી કેશુભાઈ પટેલ સ્મૃતિ સંસ્થાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેની ઘોષણા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. આ ઉપરાંત હજારો લોકોની ઉપસ્થિતિમાં ખાસ હિરાસર ઇન્ટરનેશન એરપોર્ટને કેશુભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ આપવામાં આવે તેવો ઠરાવ મૂકી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે. કેશુભાઈ પટેલ જીવન પર લિખિત ધરતી પુત્ર કેશુભાઈ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.