મારી પાસે 100 કરોડ નથી, હું મજૂર છું : હકાભા
3 કરોડ આપો એટલે બધી સંપત્તિ અને છોકરો પણ
આપું : હકાભા
- Advertisement -
‘રાજપૂત સમાજ સાચો છે એવું હું નહીં, કોઈ કલાકાર બોલતા નથી’
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.11
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ પણ શાંત થયો નથી. આ વિવાદ રાજકારણની સાથે સાથે હવે ડાયરાના કલાકારો વચ્ચે પહોંચ્યો છે. તાજેતરમાં જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ક્ષત્રિય સાથેની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ઓડિયોમાં તેઓ ક્ષત્રિય વ્યક્તિને કહે છે કે, હું 100 કરોડની પ્રોપર્ટી લઈને બેઠો છું. ઇડીની રેડ પડે તો મારે હિસાબ કેવી રીતે દેવો? એનો મારી પાસે હિસાબ જ નથી. મારી પાસે કેટલી પ્રોપર્ટી હશે? અમે બીજેપીમાં ઘરી ગયા છીએ. કેવી રીતે બોલીએ?
આ અંગે હકાભા ગઢવી સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કોની સાથે વાત કરી હતી? અને આખો મામલો શું હતું એ જાણવાની કોશિશ કરી હતી. આ વાતચીતમાં હકાભાએ કહ્યું હતું કે, મારા અમુક શબ્દો કાપીને ઓડિયો ફરતો કર્યો છે. મારી પાસે એટલી સંપત્તિ હોય તો સરકારને બધી ખબર હોય.
- Advertisement -
આ સમગ્ર વિવાદ અંગે હકાભા ગઢવીએ જણાવ્યું કે, મારો જે ઓડિયો વાઈરલ થયો છે તે ધોળકાની બાજુમાં આવેલા કોઠ ગામના રાજભા ગોહિલ સાથેની વાતચીત હતી. રાજપૂત સમાજ સાચો છે એવું હું નહિ કોઈ કલાકાર બોલતું નથી. શું કામ નથી બોલતા એ ખબર નથી. મેં એવું કહ્યું હતું કે ધારો કે મારી પાસે 100 કરોડ હોય તો, પરંતુ મેં જેની સાથે ભરોસાથી વાત કરી એણે ’ધારો કે’ કાપી નાખ્યું અને 100 કરોડ કરી નાખ્યું એટલે એ અમુક શબ્દો કાપીને ઓડિયો ફરતી કરી છે. સંપત્તિ હોય તો સરકારને બધી ખબર હોય એક એક વ્યક્તિના ખાતાની એ તપાસ કરાવી શકે. મારા ખાતામાં કેટલા પૈસા છે સરકારને ખબર જ હોય. હું તાજેતરમાં જ એક બે મહિના પહેલાં જ સંગીત એકેડેમીમાંથી ભાજપમાં કાર્યકર તરીકે જોડાયો છું.
સંપત્તિ બચાવવા ભાજપમાં જોડાયા છો એ સવાલના જવાબમાં હકાભા ગઢવી કહે છે કે, ના…ના… સંપત્તિ કંઈ છે જ નહીં.. મને ક્ષત્રિય ફોન કરી કરીને હેરાન કરે છે અને ધમકીઓ આપે છે કે અમારા સમાજની ફેવરમાં બોલો નહીં તો કાર્યક્રમ નહીં કરવા દઈએ. પ્રોગ્રામ નહીં કરવા દઈએ આ રાજભા ગોહિલે જ મને ધમકી આપી છે. બીજા બે ત્રણ ફોન આવ્યા મહિનામાં. ઘણા ફોન આવ્યા કારણ કે અજાણ્યા નંબરમાંથી ફોન આવતા હોય તો કોનાં નામ યાદ રાખવાં? ઘણા લોકો મને ફોનમાં ધમકી આપી ગયા છે. હું ધ્યાન નથી આપતો અને કોઈ સાથે વાત પણ નથી કરતો.
હું મારા સમાજ પૂરતો જ વ્યક્તિ છું. કોઈ સમાજના વિવાદમાં મારે પડાય જ નહીં. અમે કોઈને કીધું નથી કે અમારા સમાજને તમારી જરૂર છે તો મદદ કરો વચ્ચે પણ અમારે માથાકૂટ થઈ હતી. તો અમે અન્ય કોઈ સમાજ પાસે મદદ માંગી નથી. આ સૌનો વ્યક્તિગત પ્રશ્ર્ન છે. સૌની વ્યક્તિગત લડાઈ છે અને લડવાની હોય હું કોઈ પાસે મદદ માંગવા ગયો નથી. મેં કોલ પણ નથી કર્યો કે મારી મદદમાં આવો, શું કરવા ફોન કરું અમારી લડાઈ અમારે જાતે લડવાની હોય. હાલ બધા નોખા નોખા નિવેદનબાજી કરે છે અને દરેક સમાજમાં તિરાડ પડતી જોવા મળે છે. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું, આપવાળા ભાઈ (ઉમેશ મકવાણા)એ નિવેદન આપ્યું. સમાજમાં ભાગલા પડી જાય એવું છે.
હું ઘંટી ચલાવતો ત્યારે પણ મજૂર હતો અને અત્યારે પણ મજૂર છું
નેતાઓએ બોલવામાં ધ્યાન રાખવું પડે. સીધી પ્રજાને અસર કરે છે જે સમાજની વ્યક્તિ વિશે બોલે તેના પર અસર પડતી હોય છે. હું ઘંટી ચલાવતો ત્યારે પણ મજૂર હતો અને અત્યારે પણ મજૂર છું. મને ત્રણ કરોડ રૂપિયા કોઈ આપે એટલે હું મારી તમામ સંપત્તિ આપી દઉં અને ઉપર જતા એક છોકરો પણ આપી દઉં જે બધાં કામ કરે. મેં કોઈ ગુનો કર્યો નથી. આ વ્યક્તિગત વાત છે બોલવું હોય એ બોલે ન બોલવું હોય ન બોલે મને કોઈ અન્ય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરવાનો હક નથી. એક જવાબદાર વ્યક્તિ છીએ હવે નામ થઈ ગયું એટલે બધા ધ્યાન આપે છે. એક સમયે હું બાપુના જોક્સ પણ ડાયરામાં કરતો. પરંતુ પાંચ વર્ષ પહેલાં મેં તમામ સમાજની માફી માંગી લીધી છે.