કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કૃષિ વિભાગને આદેશ આપ્યા, મુખ્યમંત્રીને જાણ કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
કમોસમી વરસાદ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પડેલા માવઠાને લઇને સર્વે થશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કૃષિ વિભાગને આ માટે આદેશ આપી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જાપાનના પ્રવાસે છે.તેમ છતા તેમને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં ત્રાટકેલા માવઠાની આફત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુક્સાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુક્સાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.
કમોસમી વરસાદથી ખેતરોનો ઉભો પાક સાફ થઇ ગયો છે. ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે પવન અને વરસાદને કારણે ખેતરોમાં પોંક અને લીલી પાપડી સહિતના પાકનું ધોવાણ થઇ ગયું છે. જેના કારણે જગતના તાતને ફરી લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એરંડા, શેરડી, ઘઉં, ધાણા, જીરૂ પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. વરસાદી પાણીમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાઇ જતાં તેમની મુશ્કેલી વધી છે. બીજી તરફ મહામહેનતે પાક તૈયાર કરતા કામદારો પણ નિરાશ જોવા મળ્યા છે. જો કે આ આફત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે માવઠાંથી ખેતીક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે કરાવવા આદેશ આપ્યા છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ અંગેની માહિતી આપી છે.