ક્રિષ્ના સ્કૂલનું નિયમ વિરુદ્ધનું બાંધકામ દૂર કરવું પણ જરૂરી
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતું ગજેરા દંપતી હવે બાળકોના જીવ સાથે પણ રમત રમે છે
- Advertisement -
શાળામાં હૉસ્ટેલ હોવા છતાં ફાયર સેફ્ટીના નામે શૂન્ય વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.27
જો ગેરરીતિ આચરવાની પરીક્ષા યોજાય તો ક્રિષ્ના સ્કૂલનું સો ટકા પરિણામ આવે અને તેના સંચાલકો મહેન્દ્ર ગજેરા અને તૃપ્તિ ગજેરા ઓલ ઈન્ડિયા ટોપર આવે. ક્રિષ્ના સ્કૂલના એક પછી એક ભોપાળા છતાં થઈ રહ્યા છે. હવે ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે ફાયર સેફટીના પૂરતા સાધનો વિના ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું અને સિમેન્ટ-પતરાનો ફેબ્રિકેશન ડોમ ઉભો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે ફાયર સેફટી મેળવવા માટે એફિડેવિટ પણ ખોટું રજૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
ભૂતકાળની અંદર સુરતમાં થયેલા તક્ષશિલા કાંડ, બરોડાના હરણી બોટ કાંડ અને હવે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ વાલીઓથી લઈ તંત્રની ધીમેધીમે આંખ ઉઘડી છે. જો ભવિષ્યમાં આવી દુર્ઘટના અટકાવવી હોય તો વાલીઓથી લઈ તંત્રએ સતર્ક બનવું પડશે અને તમામ જગ્યાએ ફેબ્રિકેશન ડોમવાળું ગેરકાયદે બાંધકામ દૂર કરી ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં રાખવા પડશે. ક્રિષ્ના સ્કૂલ અને તેના સંચાલકો આ મામલે પણ નાપાસ થયા છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતા ગજેરા દંપતી બાળકોના જીવ સાથે પણ ચેડાં કરી રહ્યા છે.
ખાસ-ખબરને પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ પાસે ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ આગ લાગે તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે કારણ કે અહીં નિયમ વિરુદ્ધ સિમેન્ટ, પતરાના ફેબ્રિકેશનવાળો ડોમ બનાવવામાં આવ્યો છે, એટલું જ નહીં, ફાયર એક્ટના નિયમોનો ઉલળિયો કરી ફાયર સેફટીના સાધનો પણ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા નથી. તૃપ્તિ મહેન્દ્ર ગજેરાની ગેરરીતિમાં માસ્ટરીને કારણે બાળકોનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં નિયમ વિરુદ્ધનું બાંધકામ દૂર કરવું જરૂરી છે.
ગજેરા દંપતીએ ફાયર NOC મેળવવા ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે? એક આખી ઈમારત મંજૂરી વિના ખડકી દીધી!
નિયમ મુજબ જો કોઈ ઈમારતની ઊંચાઈ 9 મીટરથી ઊંચી ન હોય તો તે ઈમારતનું એફિડેવિટ રજૂ કરીને ફાયર સાધનોના બિલના આધારે ફાયર એનઓસી મળી જતું હોય છે. ગજેરા દંપતીએ ચાલાકીપૂર્વક સૌપ્રથમ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલની મુખ્ય ઈમારત 9 મીટરથી ઊંચી ન હોવાનું એફિડેવિટ રજૂ કર્યું હતું અને ફાયર એનઓસી મળ્યા પછી 9 મીટરથી ઉપર નિયમ વિરુદ્ધ સિમેન્ટ, પતરાના ફેબ્રિકેશનવાળો ડોમ ખડકી દીધો હતો. (ગૂગલ મેપમાં ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ સર્ચ કરતા સેટેલાઈટ ઈમેજમાં આ જગ્યા સ્પષ્ટ જોઈ શકાય છે.) આટલાથી ન અટકતા તેઓએ કેમ્પસમાં જ એક આખી ગેરકાયદે ઈમારત ખડકી દીધી, પ્લાન પાસ કર્યા કે મંજૂરી વિના બનાવવામાં આવેલી આ ઈમારતમાં કિચન અને ડાઈનિંગ એરિયા કાર્યરત છે. અધૂરામાં પૂરું અહીં બાળકોને 24 કલાક રહેવા ભણવાનું હોવા છતાં ફાયર સેફટીના પણ પૂરતા સાધનો નથી. હવે ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આ સમગ્ર મામલે નિયમ વિરુદ્ધ વર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની મોટીમોટી વાતો કરનારું તંત્ર મહેન્દ્ર ગજેરા અને તૃપ્તિ ગજેરા સામે કેવા અને ક્યારે પગલાં ભરશે એ જોવું રહ્યું.