આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતનો ડંકો
ગુજરાતમાં 1,28,626 મેટ્રિક ટન તલના ઉપજ થવાનો અંદાજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઉનાળુ તલની આવક શરૂ થઇ ગઇ છે અને તલના વાવેતરમાં સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગે છે ત્યારે આ વખતે કોરિયા ગવર્નમેન્ટનું 13 હજાર ટન તલનુ ગ્લોબલ ટેન્ડર ભારતને મળ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાન અને આફ્રિકાને વેપારી હરીફાઇમાં માત આપી રૂ.152 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો છે. આ ટેન્ડર મળતા ખેડૂતોને તલના સારા ભાવ ઉપજવાની આશા છે. રાજકોટના તલના વેપારી વ્રજ એન્ટરપ્રાઇઝના સંદીપ લાખાણીએ જણાવ્યું હતું કે, તલનું દર વર્ષે સાતથી આઠ વખત વૈશ્વિક ટેન્ડર બહાર પડે છે અને દર વખતે આપણી સાથોસાથ પાકિસ્તાન અને આફ્રિકા પણ ઓર્ડર લઇ જતા હતા. તેના બદલે આ વખતે કોરિયાનું આખું તલનું 13 હજાર ટન એટલે કે 13000 કિલો તલનું ટેન્ડર આપણને મળ્યું છે. હાલમાં ઉનાળુ તલની આવક શરૂ થઇ છે. ભારતને આ ટેન્ડર 1450થી 1475 યુ.એસ. ડોલરના ભાવે મળ્યું છે. સ્થાનિક બજારમાં તલનો ભાવ રૂ.117થી 118 આસપાસ ચાલી રહ્યો છે. ભારતમાં આવેલો રૂ.152 કરોડથી વધુના આ ઓર્ડરનો મોટાભાગનો માલ ગુજરાતમાં જ સપ્લાય થવાનો અંદાજ છે.
એક ડેટા મુજબ ગુજરાતમાં આ વર્ષે 1,24,232 હેક્ટરમાં તલનું વાવેતર થયું છે અને 1,28,626 મેટ્રિક ટન તલની ઉપજ થવાનો અંદાજ છે. આ વર્ષે નેચરલ તલનું એક્સપોર્ટ વધે તેવી ધારણા એક્સપોર્ટરોમાં સેવાઇ રહી છે.