જો કુરાનને ફરી સળગાવવામાં આવશે તો ઇરાક-સ્વીડનના સંબંધો ખતમ થઇ જશે: ઇરાકી વિદેશ મંત્રાલય
સ્વીડનમાં ફરી એકવાર કુરાન સળગાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઈરાકની રાજધાની બગદાદમાં સ્વીડિશ દૂતાવાસમાં દેખાવો થયા છે. દેખાવો બાદ હવે ઈરાક સરકારે એક નિવેદન જારી કરીને મોટી જાહેરાત કરી છે. સ્વીડનમાં ફરીથી કુરાન સળગાવવાની પરવાનગી મળ્યા બાદથી ઇસ્લામિક દેશ ઇરાક અને સ્વીડન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ગુરુવારે સવારે ઇરાકની રાજધાની બગદાદમાં સ્વીડિશ દૂતાવાસને વિરોધીઓએ નુકસાન પહોંચાડ્યું હતું અને પરિસરમાં આગ લગાવી દીધી હતી. હવે એવા અહેવાલ છે કે, આના થોડા કલાકો પછી ઇરાકે સ્વીડનના રાજદૂતને હાંકી કાઢ્યા છે.
ઇરાકી સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ સ્વીડનમાં ઇરાકના ચાર્જ ડી અફેર્સને પણ પાછા બોલાવ્યા હતા. ઈરાકી મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર ઈરાકમાં કાર્યરત સ્વીડિશ ટેલિકોમ કંપની એરિક્સનની વર્ક પરમિટ પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ગયા મહિને બકરીઇદના દિવસે સ્વીડનની રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની બહાર કુરાનની નકલને આગ ચાંપવામાં આવી હતી. બકરીદ પર કુરાન બાળનાર ઈરાકી શરણાર્થી સલમાન મોમિકાને પોલીસે ઈરાકી દૂતાવાસની સામે ફરી કુરાન બાળવાની મંજૂરી આપી હતી. જેને જોતાં ગુરુવારે સવારે ઈરાકની રાજધાની બગદાદમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. કુરાનની નકલ સળગાવીને ફરી આવા કૃત્યને મંજૂરી આપતા રોષે ભરાયેલા ઈરાકીઓએ એમ્બેસી કમ્પાઉન્ડમાં ધસી જઈ દૂતાવાસને આગ ચાંપી દીધી હતી.
- Advertisement -
જો કુરાનને ફરીથી બાળવામાં આવશે તો ઈરાક-સ્વીડનના સંબંધો ખતમ થઈ જશે. અહેવાલ મુજબ ઈરાકના વિદેશ મંત્રાલયે સ્વીડિશ દૂતાવાસ પર હુમલાની આકરી નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘ઈરાકી સરકારે સુરક્ષા અધિકારીઓને તાત્કાલિક ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમને એમ્બેસી પર કયા સંજોગોમાં હુમલો કરવામાં આવ્યો તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.
અધિકારીઓને ગુનેગારોની ઓળખ કરવા અને કાયદા અનુસાર તેમને જવાબદાર ઠેરવવા જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. ઇરાકી સરકારે સ્વીડિશ સરકારને રાજદ્વારી માધ્યમો દ્વારા જાણ કરી હતી કે જો સ્વીડનની ધરતી પર કુરાનને ફરીથી સળગાવવામાં આવશે તો ઇરાક સ્વીડન સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખશે, વડાપ્રધાનના કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.