કોડીનારમાં 61.36ટકા અને તાલાલામાં 49.61 અને ઊના તાલુકા પંચાયતમાં 50.90 ટકા નોંધાયું મતદાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025 અંતર્ગત કોડીનાર નગરપાલિકા અને તાલાલા, ઉના તાલુકાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. જેમાં સાંજના 6 વાગ્યા સુધીમાં ટેન્ટેટીવ કોડીનાર નગરપાલિકામાં 61.36 ટકા અને તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 49.61 ટકા અને ઊના તાલુકા પંચાયતમાં 50.90 ટકા મતદાન નોંધાયું હતું.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર રાજેશ આલના સંકલનમાં રહીને વહીવટી તંત્રએ કરેલી સુદ્દઢ વ્યવસ્થાઓના વચ્ચે નગરપાલિકા અને તાલુકાના નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં કોડીનાર નગરપાલિકામાં અને તાલાલા તાલુકા પંચાયતની 2 બેઠકો, જ્યારે ઊના તાલુકાની 3 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી હતી.
તાલાલાની બે બેઠકની પેટાચૂંટણીમાં 47.61 ટકા મતદાન
તાલાલા તાલુકા પંચાયતના બે સદસ્યોના અવસાનથી ખાલી પડેલ ચિત્રાવડ ગીર અને બોરવાવ ગીર બેઠકની યોજાયેલ પેટા ચૂંટણી માટે આજે મતદાન થયું હતું જેમાં 47.61 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.આજે યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે.ચિત્રાવડ ગીર બેઠક ઉપરથી 5669 મતદારો માંથી 2711 મતદારોએ 47.82 ટકા મતદાન કર્યું છે.જયારે બોરવાવ ગીર બેઠક ઉપરથી 4431 મતદારો માંથી 2098 મતદારોએ 47.35 ટકા મતદાન નોંધાયું છે. આજે યોજાયેલ મતદાન ની મંગળવારે મામલતદાર કચેરી ખાતે મતગણતરી થશે.બંને બેઠકો ઉપર ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રિપાંખિયો જંગ જામ્યો હતો.મતદાન પૂર્ણ થયા બાદ બધાં જ રાજકીય પક્ષોએ જીતનાં દાવા કર્યા હતા.મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં માટે પી.આઈ.જે.એન.ગઢવી તથા પોલીસ સ્ટાફે સંગીન વ્યવસ્થા જાળવી હતી.