બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા બાદ ભારતમાં વધતી નારાજગી વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરુખ ખાન નિશાન પર છે. તેનું કારણ આગામી IPL સીઝન માટે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને KKR દ્વારા ટીમમાં સામેલ કરવો. KKRના આ નિર્ણયનો ભાજપ નેતા સંગીત સોમ, કેટલાક ધાર્મિક નેતાઓ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ ગ્રુપ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભાજપના નેતાઓનું કહેવું છે કે, જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હત્યાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે, ત્યારે તે દેશના ખેલાડીઓને IPLમાં સામેલ કરવા ખોટું છે. સંગીત સોમે આરોપ લગાવ્યો કે, બાંગ્લાદેશી સરકાર, તેના ખેલાડીઓ અને સેલિબ્રિટીઓ હિન્દુઓના સમર્થનમાં અવાજ નથી ઉઠાવી રહ્યા. આવી સ્થિતિમાં બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતીય લીગમાં કેમ સ્થાન આપવામાં આવી રહ્યું છે? તેમણે આ નિર્ણય માટે સીધો શાહરુખ ખાનને જવાબદાર ઠેરવ્યો છે.
- Advertisement -
આ મુદ્દાને બંગાળના રાજકારણ સાથે જોડતા ભાજપે તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, શાહરુખ ખાનને માત્ર તેમના ધર્મના આધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આરોપો લગાવવામાં આવ્યા છે કે, રાજ્ય સરકાર તેમના કાર્યક્રમોને સહયોગ આપે છે, ઈડન ગાર્ડન્સ સંબંધિત કોન્ટ્રાક્ટ કથિત રીતે મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, અને શાહરૂખને બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. ભાજપનો દાવો છે કે, આ બધું તુષ્ટિકરણની રાજનીતિનો ભાગ છે.
પૂર્વ ક્રિકેટર-વિપક્ષના નેતાઓ શાહરુખના સમર્થનમાં આવ્યા
પરંતુ TMCથી લઈને કોંગ્રેસ સુધી અને આમ આદમી પાર્ટી (AAP) થી સમાજવાદી પાર્ટી (SP) સુધી દરેક સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો હિન્દુઓની હત્યા માટે બાંગ્લાદેશનો વિરોધ કરવો છે, તો ભારત સરકાર બાંગ્લાદેશી ખેલાડીઓને રમાડવા પર કેમ ચૂપ છે? BCCI તે ખેલાડીઓની હરાજી કેમ કરાવે છે? વિદેશ મંત્રી ઢાકા કેમ જાય છે? શેખ હસીના ભારતમાં કેમ રહે છે? આ તમામ સવાલો વિપક્ષ ઉઠાવી રહ્યું છે અને કહી રહ્યા છે કે માત્ર શાહરુખ ખાનને નિશાન બનાવવું એ રાજકારણથી પ્રેરિત છે.
- Advertisement -
તો પછી શેખ હસીનાને ભારતમાં રાખવું કેવી રીતે યોગ્ય: સંજય સિંહ
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શાહરુખ ખાનને નિશાન બનાવવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે ક્રૂરતાની પરાકાષ્ઠા છે. ભારત સરકારે હિન્દુઓની નિશાન બનાવીને થતી હત્યાઓ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. જોકે, વડા પ્રધાન આ મુદ્દે મૌન છે. જો શાહરુખ ખાનને તેમની ટીમમાં ક્રિકેટ ખેલાડી રાખવા બદલ દેશદ્રોહી ગણાવવામાં આવી રહ્યો છે, તો શેખ હસીનાને ભારતમાં રાખવા બદલ વડા પ્રધાન મોદીને કઈ સંજ્ઞા આપવામાં આવશે?’
આમ આદમી પાર્ટીના નેતાએ આગળ કહ્યું કે, ‘પહલગામમાં લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખા દેશે કહ્યું કે, પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ. જય શાહે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમાડી. તેમને શું કહેવું જોઈએ? શું તેમને દેશદ્રોહીની ગણવામાં આવશે? તાજેતરમાં વિદેશ મંત્રી જયશંકર બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કરવા બાંગ્લાદેશ ગયા હતા. આવી સ્થિતિમાં આપણે સિલેક્ટિવ ન હોવું જોઈએ. આપણે બે વાતો ન કરવી જોઈએ.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘સરકારની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ કંઈ પણ બોલી દે છે. શાહરુખ ખાનને આ રીતે આરોપી બનાવવો ઠીક નથી. પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં લેવામાં નથી આવતા, તો પછી એવી જ રીતે બાંગ્લાદેશ પર પણ પ્રતિબંધ મૂકી દો.’
ભાજપા સાંસદ પોતે સંગીત સોમનું નિવેદન ખોટું ગણાવી ચૂક્યા છે: સમાજવાદી પાર્ટી
બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અમીક જામેઈ એ પણ શાહરુખ ખાનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ આજે ભારે કટ્ટરતાના માર્ગે ચાલી રહ્યું છે. મોહમ્મદ યુનુસ જેવો માણસ ત્યાંનો કેરટેકર તરીકે કામ કરી રહ્યો છે અને પીએમ મોદીએ ખુદ તેનું સમર્થન કર્યું હતું. સરધનાના ધારાસભ્ય સંગીત સોમ ખૂબ ખરાબ રીતે હારી ગયા હતા. હવે તેમને કવરેજ મળતું નથી, તેથી તેઓ હેડલાઈન્સ મેળવવા માટે આવા નિવેદનો આપે છે. ભાજપના વરિષ્ઠ સાંસદોએ પણ તેમના નિવેદનને ખોટું ગણાવી ચૂક્યા છે.
માત્ર શાહરૂખને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે: અતુલ વાસન
પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વાસનને જ્યારે પૂછવામાં આવ્યું કે, ક્રિકેટ આયોજન કરાવનારા બોર્ડ પર કોઈ કેમ સવાલ નથી ઉઠાવતું? તેના જવાબમાં વાસને કહ્યું કે, ટાઈમલાઈન સમજવાની જરૂર છે. શાહરુખ ખાને આ બાંગ્લાદેશી ખેલાડીની પસંદગી નથી કરી. એક ક્રિકેટ મેનેજમેન્ટ કમિટી છે જે પસંદગી કરે છે. આ સાથે જ BCCIએ બાંગ્લાદેશી ક્રિકેટરોને હરાજી માટે સૂચિબદ્ધ કર્યા હતા અને શાહરૂખની ટીમે તેમની જરૂરિયાતોના આધારે આ ખેલાડીની પસંદગી કરી હતી. મારું માનવું છે કે, મને લાગે છે કે, શાહરૂખનું નામ સીધું લેવું અયોગ્ય છે. તેને આ માટે જવાબદાર ન ગણવો જોઈએ, કારણ કે તેની ટીમે આ ખેલાડીને પોતાની જરૂરિયાતોના આધારે પસંદ કર્યો છે.
તેમણે આગળ કહ્યું કે, શાહરુખ ખાન પણ એક દેશભક્ત છે અને મારું માનવું છે કે, બાંગ્લાદેશના થઈ રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને તે બાંગ્લાદેશી ખેલાડીને પોતાની ટીમમાં નહીં રાખશે. આ મામલાની તુલના પાકિસ્તાન સાથે કરવી યોગ્ય નથી, કારણ કે પાકિસ્તાનનો ઈતિહાસ બાંગ્લાદેશથી અલગ રહ્યો છે. ભારત સરકાર પણ હાલમાં વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં નજર આવી રહી છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિ (શાહરૂખ) ને નિશાન બનાવવું બિલકુલ યોગ્ય નથી. રાજકારણ માટે ક્રિકેટનો ઉપયોગ કરવો ખોટું છે. KKR પાસે શાહરુખ ઉપરાંત અન્ય માલિકો છે, જેમાં જુહી ચાવલા પણ સામેલ છે, તો પછી કોઈ તેને નિશાન કેમ નથી બનાવી રહ્યું? અને જો બાંગ્લાદેશી ખેલાડીને હાંકી કાઢવામાં આવે તો પણ શું તેનાથી કંઈ બદલાશે?
રસપ્રદ વાત એ છે કે, કેટલાક મુસ્લિમ સંગઠનોએ પણ બાંગ્લાદેશી ખેલાડીઓના રમવા સામે વાંધો ઉઠાવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ઓમર અહેમદ ઈલ્યાસીએ કહ્યું કે બાંગ્લાદેશી ક્રિકેટરોએ ત્યાં થઈ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવવો જોઈએ. કેટલાક ધાર્મિક નેતાઓએ તો શાહરુખ ખાન પાસેથી માફી અને નિવેદનની માગ પણ કરી છે.
વિરોધને પગલે BCCIનો મોટો નિર્ણય
તમને જણાવી દઈએ કે, ભારતમાં વધતી નારાજગી વચ્ચે બીસીસીઆઇએ KKRને તેના બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવા નિર્દેશ આપ્યો છે. બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટી કરી હોવાની જાણકારી મળી છે. એટલે કે હવે 9.20 કરોડમાં ખરીદાયેલો મુસ્તફિઝુર IPL 2026માં નહીં રમી શકે.




