ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સહીત રાજ્યભરમાં ખેડૂતોને મળતી વીજળી સમાન દરે આપવામાં આવે તેવી લાંબા સમયથી માંગણી થઈ રહી છે. આ મુદે કિસાન સંઘ દ્વારા પણ અવાર નવાર રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને ઉર્જામંત્રી તેમજ વીજ કંપનીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે જોકે આ અંગે સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ ન મળતો હોવાથી હવે કિસાન સંઘે સરકાર અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે.
મોરબીમાં કલેકટર કચેરી ખાતે આજે મોરબી કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ કાલરીયા તેમજ તાલુકા સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા તેમજ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી મીટર આધારિત અને બીજી હોર્સ પાવર આધારિત એમ બે પ્રકારે વીજળી આપવામાં આવે છે તે ખેડૂતોને પોસાતી ન હોવાથી હોર્સ પાવર આધારિત વીજળી આપવા માટે વિરોધ પ્રદર્શન કરી કિસાન સંઘે માંગણી દોહરાવી હતી તેમજ આ બાબતે કલેકટરને આવેદનપત્ર આપી સરકાર દ્વારા તેમની માંગણી વહેલી તકે સ્વીકારી ખેડૂતના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.