બાર્બરા વિલિયર્સ
ઇતિહાસમાં એ વાતનો વિગતવાર ઉલ્લેખ નથી કે બાર્બરા વિલિયર્સ કેવી રીતે સમ્રાટ ચાર્લ્સ દ્વિતીયના જીવનમાં પ્રવેશી, પણ એક વાત નક્કી છે: એ કોઈ કયામતથી કમ નહોતી, ષડયંત્રોમાં પણ એ અવ્વલ હતી અને દેખાવમાં પણ એ રૂપરૂપનાં અંબાર જેવી હતી.
- Advertisement -
કિન્નર આચાર્ય
ઇંગ્લેન્ડનો બાદશાહ ચાર્લ્સ દ્વિતીય ઘુંટણીયે પડી ને દયાની ભીખ માંગ રહ્યો હતો. એ વારંવાર કરી રહ્યો હતો કે, ‘મારી ભૂલ છે, હું શરમ અનુભવું છું. મને ક્ષમા કરી દો. કૃપા કરીને એક વખત મારી ભૂલ માફ કરી દો.’
આખો દરબાર આશ્ર્ચર્યચકિત હતો. પણ જેની પાસેથી માફીની અપેક્ષા રખાતી હતી- ચાર્લ્સ દ્વિતીય જેની પાસે ક્ષમા માંગી રહ્યો હતો એ મહિલા શાનભેર ઉભી હતી અને તેનાં ચહેરા પર અભિમાન છલાકાઈ રહ્યું હતું. એ દિવસે લોકોને ખ્યાલ આવી ગયો કે, ઇંગ્લેન્ડમાં સત્તાનું સૂકાન ખરેખર કોના હાથમાં છે.
વાત એ યુગની છે જેને બ્રિટનનાં ઇતિહાસનો ગ્રહણકાળ માનવામાં આવે છે. લોકોને પણ એ વાતનું આશ્ર્ચર્ય હતું કે, ઇંગ્લેન્ડનું કલંક ગણી શકાય એવી વ્યક્તિને બ્રિટનના રાજપરિવારનાં મુગટમાં મણીની જેમ શણગારીને શા માટે રાખવામાં આવી છે. આ એ યુગ હતો જ્યારે બ્રિટનના રાજ પરિવારની જનરમાં સારા બનવું હોય તો એકમાત્ર ઉપાય હતો: બાબ્રરાને ખુશ કરવી! બાર્બરાની કૃપાદૃષ્ટિ પામવી!
ઇતિહાસમાં એ વાતનો વિગતવાર ઉલ્લેખ નથી કે બાર્બરા વિલિયર્સ કેવી રીતે સમ્રાટ ચાર્લ્સ દ્વિતીયના જીવનમાં પ્રવેશી. પણ એક વાત નક્કી છે: એ કોઈ કયામતથી કમ નહોતી. ષડયંત્રોમાં પણ એ અવ્વલ હતી અને દેખાવમાં પણ એ રૂપરૂપનાં અંબાર જેવી હતી. કહેવાય છે કે, જ્યારે ચાર્લ્સ દ્વિતીય સત્તા મેળવવાના સંઘર્ષમાં નિરાશ્રીત જેવું જીવન વ્યતિત કરી રહ્યો હતો ત્યારે કદાચ તેની મુલાકાત બાર્બરા સાથેથઈ હતી. કદમાં લાંબી, ઘટાદાર વડવાઈ જેવા કેષ ધરાવતી, અતિ સ્વરૂપવાન બાર્બરા એ પછી સમ્રાટ ચાર્લ્સ દ્વિતિયના જીવનું સર્વસ્વ બની ગઈ, તેની રખાત, તેની દિવાનગી, તેનો પ્રેમ અને તેની માલિક.
બાર્બરા વિલિયર્સનો જન્મ ઇ.સ. 1641માં બ્રિટનનાં બ્રિસ્ટલમાં થયો હતો. તેનો પિતા વિલિયર્સ એ ગાળામાં જ બાગીઓએ કરેલા એક બળવામાં શહીદ થયો હતો. એ સમયે બાર્બરાની ઉંમર ત્રણ વર્ષની હતી. બાર્બરાની માતાએ તે પછી પોતાના દીયર (પતિના પિતરાઈ) સાથે લગ્ન કરી લીધા. બાર્બરાનો સાવકો પિતા ચાર્લ્સ વિલિયર્સ એક સાવ ગરીબ માણસ હતો. એ ક્યારેય બાર્બરાનું ધ્યાન રાખી શક્યો નહીં. બાર્બરાએ પોતાની કિશોરાવસ્તા ગરીબી અને ઉપાધિ વચ્ચે વ્યતિત કરી. 16 વર્ષની ઉંમરે બાર્બરા જ્યારે લંડન આવી ત્યારે જિંદગીનું પ્રથમ પરાક્રમ કર્યું: પોતાનાંથી ઉંમર વીસ વર્ષ મોટા એવા એક કૂખ્યાત જમીનદાર સાથે તેણે લગ્ન કરી લીધા. ચેસ્ટરફિલ્ડનાં એ જમીનદારએ બાર્બરાને પ્રેમ ઓછો કર્યો અને માર વધુ માર્યો. ફક્ત બે વર્ષમાં જ બાર્બરાએ પોતાનાં પ્રથમ પતિને મૂકી દીધો અને શાહી અણલદાર રોજર પામર સાથે લગ્ન કરી લીધા. લગ્નનાં ફક્ત ત્રણ દિવસની અંદર જ પતિ રોજરને ખ્યાલ આવી ગયો કે, તેના લગ્ન એક ઝંઝાળ સાથે થયા છે. લગ્નનાં ગણતરીનાં દિવસોમાં જ બાર્બરાએ ઇશ્કબાજી શરૂ કરી દીધી હતી.
1660-61 દરમિયાન તેની મુલાકાત એ સમયે ફરાર જિંદગી જીવી રહેલા સમ્રાટ ચાર્લ્સ દ્વિતિય સાથે થઈ. પ્રથમ જ મુલાકાતમાં બાર્બરાએ ચાર્લ્સને કહ્યું, ‘તમે જાણો છો, ચાર્લ્સ નામનું મારા જીવનમાં અત્યંત મહત્વ છે. ચાર્લ્સ નામની વ્યક્તિએ જ મારા સાવકા પિતા બનીને મને પ્રેમ આપ્યો અને મારી માતાને પણ તેણે જ પોતાની હૂંફ આપી.’
બાર્બરાનાં ડાયલોગની સમ્રાટ પર શી અસર થઈ એ થોડા જ સમયમાં બધાને સમજાઈ ગયું. દસેક મહિના પછી બાર્બરાએ એક પુત્રને જન્મ આપ્યો- જેમાં નાક-નકસી અદ્દલ સમ્રાટ ચાર્લ્સ જેવા હતા. યોગાનુયોગ એ જ સમયગાળામાં બાર્બરાના પતિ રોજરને રાજ્યના વિશિષ્ટ સમાન ‘અર્લ ઓફ કેસલમેન’થી નવાજવામાં આવ્યો. બીજી તરફ બાર્બરા અને ચાર્લ્સ દ્વિતિયની નિકટતા સતત વધતી જતી હતી. પતિ રોજરને આ વાતનો ખ્યાલ આવ્યો એ પછી એ જાહેર જીવનમાંથી ધીમેધીમે ઓઝલ થવા લાગ્યો.
હવે, સમ્રાટ ચાર્લ્સ દ્વિતિય સાથે દરેક સમારોહમાં બાર્બરા જ દેખાતી હતી. તેનું વર્ણન દરબારીઓ પ્રત્યે ભારે અપમાનજનક હતું. પરંતુ ‘રાજાને ગમે તે રાણી’ના ન્યાયે બધા જ નતમસ્તક થઈને બાર્બરાને સહન કર્યે જતા હતા. એ અરસામાં અન્ય એક મહત્વપૂર્ણ ઘટના બની: સમ્રાટ ચાર્લ્સ દ્વિતિયના લગ્ન પોર્ટુગલનાં બ્રેગાન્ઝા ખાનદાનની રાજકુમારી કેથલિન સાથે નક્કી થયા. બાર્બરા ત્યારે આઠ મહિનાથી ગર્ભવતી હતી. પરંતુ તેણે તત્કાલળ કોઈ પ્રતિભાવ આપવાને બદલે ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી. પોર્ટુગલની રાજકુમાર કેથરિન અત્યંત કદરૂપી હતી, તેની સાથે આવેલી દાસીઓ પણ અત્યંત કદરૂપી હતી. બ્રેગાન્ઝાના રાજપરિવારે જાણી જોઈને જે રાજકુમારી સાથે કદરૂપી દાસીઓ મોકલી હતી. જેથી ચાર્લ્સ દ્વિતિય કેથરિનને છોડીને ક્યાંક કોઈ દાસીનાં પ્રેમમાં ના પડી જાય. થોડા દિવસોમાં જ ચાર્લ્સ દ્વિતિય આ બધી બદસુરત સ્ત્રી જોઈ-જોઈને કંટાળી ગયો. કોઈએ તેને સલાહ આપી કે મહારાણી કેથરિનની સહાયક તરીકે તેણે કોઈ ખુબસૂરત સ્ત્રીની નિમણુંક કરવી જોઈએ. ‘ભાવતું હતું ન વૈદ્યએ કહ્યું’ જેવો ઘાટ સર્જાયો. સમ્રાટ ચાર્લ્સ દ્વિતિયે દરબારમાં ઘોષણા કરી કે, કેથરિનની સહાયક તરીકે તેમણે બાર્બરાની નિમણુંક કરી છે. આ ફરમાન સાંભળતાવેંત જ કેથરિન બેહોશ થઈ ગઈ. મહેલમાં તેના આગમનને ખાસ્સો સમય પસાર થઈ ચૂક્યો હતો અને આ દિવસો દરમિયાન તેણે બાર્બરા અને પોતાના પતિ વચ્ચેના સંબંધો અંગેની રજેરજની માહિતી મળી ચૂકી હતી.
બાર્બરા અને ચાર્લ્સ દ્વિતિય વચ્ચેનાં સંબંધો હવે છાના રહ્યા નહોતા. રાજ્યમાં ચારેકોર તેની ચર્ચા હતી. એવામાં બાર્બરા જો અધિકૃત રીતે રાજમહેલમાં પ્રવેશ કરે તો કેથરિનનો ગરાસ લૂંટાઈ જાય એ વાતમાં બેમત નહોતો. કેથરિનએ આ નિમણૂંકનો જબરદસ્ત વિરોધ કર્યો. રાજા ચાર્લ્સ પણ ઝૂકે તેમ નહોતો. કોઈપણ સંજોગોમાં એ પોતાની જિદ્ પૂરી કરવા માંગતો હતો. ફરી તેણે ફરમાન કર્યું: ‘બાર્બરાની નિમણુંકનો કેથરિનએ ચૂપચાપ સ્વીકાર કરી લેવો… જ એવું નહીં થાય તો ચાર્લ્સ પોતાને મનફાવે તેટલી રખાતો રાજમહેલમાં રાખશે અને તેની સામેનો વિરોધ સાંખી લેવામાં નહીં આવે…’
ફરમાન સાંભળતા જ કેથરિના હાજા ગગડી ગયા. હવે તેની પાસે બાર્બરાને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઉપાય નોતો. મને-કમન તેણે સમ્રાટનાં આદેશનું પાલન કર્યું. પરંતુ સમ્રાટ ચાર્લ્સના આ હૂકમના પરિણામો બહુ દૂરોગામી રહેવાના હતા. આ એક નિર્ણયને કારણે રાજ્યપરિવાર પર અનેક આફતો આવવાની હતી. બાર્બરા કોઈ સામાન્ય સ્ત્રી નહોતી- એ અસ્સલ ચાલબાજ અને એકદમ શાતિર કહેવાય એવી યુવતી હતી. ઇતિહાસની કેટલીક સૌથી નિષ્ઠુર અને કૂટિલ સ્ત્રીઓમાં તેની ગણના એમ જ નથી થતી.
સમ્રાટ ચાર્લ્સના દિલોદિમાગ પર બાર્બરાએ પૂર્ણત: કબ્જો મેળવી લીધો હતો. બ્રિટનનાં ઉચ્ચવર્ગમાં ચર્ચા હતી કે, સમ્રાટ હવે બાર્બરાને પૂછ્યા વગર પાણી પણ પીતો નથી. કેથરિનની મુખ્ય સહાયક તરીકે તેની નિમણૂંક, એ તો દેખાડો માત્ર હતો. વાસ્તવિકતા એ હતી કે, એ નિમણૂંકના બહાને સમ્રાટ અધિકૃત રીતે બાર્બરાનો મહેલમાં પ્રવેશ કરવવા માંગતો હતો. બન્યુ પણ એવું જ.
બાર્બરાની કહાણી છલકપટ અને ચાલબાજી તથા વાસનાથી શરૂ થઈ હતી. અને ધીમેધીમે આ બધા અપલખણ તેની આદત બની ચૂક્યા હતા. અય્યાશી એ એની લાઈફસ્ટાઈલ બની ગઈ હતી. સમ્રાટ ચાર્લ્સ તેનાં સકંજામાં બરાબર સપડાયો હતો. કેથરિનને પણ આ વિશે બધી માહિતી હતી. એ સ્વરૂપવાન ન હતી પરંતુ સમ્રાટ ચાર્લ્સની રાણી તો અવશ્ય હતી. અને રાણી હોવાનાં નાતે તેનાં કેટલાંક અધિકારો હતા. જ્યાં સુધી બાર્બરા જેવી સ્ત્રી સમ્રાટની નજીક હોય, કેથરિનને રાણી તરીકેના પોતાના અધિકારો ન મળે તે સ્વાભાવિક છે. એટલે જ કેથરિન ઇચ્છતી હતી કે, બાર્બરાનો મહેલમાં અધિકૃત પ્રવેશ ન થાય. આ માટે તેણે લાખ પ્રયત્નો પણ કર્યા, ખૂબ ધમપછાડા કર્યા. પણ તેનુ કશું ચાલ્યું નહીં. ધાર્યુ તેનાં ધણીનું થયું. બાર્બરાએ મહારાણી કેથરિનનાં વિરોધ વચ્ચે પણ દમામભેર પ્રવેશ કર્યો.
બાર્બરાની નિમણૂંકનો કેથરિનએ નાછૂટકે સ્વીકાર કરવો પડ્યો. નિયમાનુસાર બાર્બરાને મહેલમાં કોઈ અલાયદો રૂમ આપવાનો નહોતો. પરંતુ રાજાનો રાજા વળી કોણ હોય? સમ્રાટ ચાર્લ્સએ બાર્બરાને પોતાના શયનકક્ષની સાવ પડખે એક રૂમ ફાળવી દીધો. સમ્રાટના અને બાર્બરાના રૂમ વચ્ચે એક દરવાજો હતો જે ક્યારેય બંધ થતો નહોતો.
અહીં પહોંચ્યા પછી બાર્બરાની સત્તાભૂખ ઓર વધી, તેનુ સામ્રાજ્ય પણ વિસ્તર્યુ. રાજકીય નિમણુંકો, વિવિધ ખાતાઓની ફાળવણી, ખિતાબોનું એલાન.. જેવી અનેક બાબતોમાં બાર્બરાનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળતો. જે કોઈ વ્યક્તિ બાર્બરાની ખુશામત કરતો- એ તેની કૃપાદૃષ્ટિ પામતો. અને બાર્બરાની કૃપાદૃષ્ટિ પામવાનો અર્થ હતો કે, બ્રિટનનાં સમ્રાટની કૃપાદૃષ્ટિ પામતી!
બ્રિટનનાં શાહી દરબારમાં હવે બે જૂથ બની ગયા હતા. મહારાણી કેથરિનના નબળા જૂથનું નેતૃત્વ હતું. અમલદાર લોર્ડ ક્લોરન્ડોનના હાથમાં બાર્બરાને આ વાતનો પાક્કો ખ્યાલ હતો. એટલે જ મોકો મળે ત્યારે સૌપ્રથમ ક્લારેન્ડોનનો જ સફાયો કરવાનું તેણે નક્કી કર્યું હતું. જો કે, ક્લારેન્ડોન એટલો વગદાર હતો કે, તેણે સ્વપ્નેય એવું વિચાર્યુ નહોતું કે બાર્બરા ક્યારેક તેનો કાંટો કાઢી નાંખશે. પરંતુ બાર્બરા એકદમ શાતિર દિમાગની એક અતિ શક્તિશાળી મહિલા હતી.
બાર્બરા અને ક્લોરેન્ડોન વચ્ચેનું યુદ્ધ ચરમસીમા પર હતું એ ગાળામાં જ મહારાણી કેથરિનએ ફોતાની અંગત મદદનીશ તરીકે ફ્રાન્સીસ સ્ટુઅર્ટ નામની 15 વર્ષની એક યુવતીની નિમણૂંક કરી. સમ્રાટની એ દૂરની સગી હતી. પુરુષોને પોતાની મોહજાળમાં ફસાવવામાં ફ્રાન્સીસ પણ માહેર હતી. મહેલમાં પ્રવેશતાની સાથે જ તેણે ચોતરફ શિકાર શોધવાનું શરૂ કરી દીધું. સમ્રાટથી માંડીને મહેલના અમલદારો, નોકર-ચાકર સુધીના તમામ લોકો તેના પર ફીદા થઈ ચૂક્યા હતાં.
મહત્વનીવાત એ હતી કે, સમ્રાટ પણ તેનાં પર લટ્ટુહતો. બાર્બરાને ભૂલીને એ ફ્રાન્સીસ તરફ ઝૂકવા લાગ્યો હતો. પરંતુ એવામાં જ તેને જબરો ધક્કો લાગ્યો. એક દિવસ અચાનક ફ્રાન્સીસ પોતાના એક પ્રેમી સાથે ભાગી ગઈ. સમ્રાટ તેની પાચળ દેવદાસ જેવો બની ગયો હતો. લાગ જોઈને બાર્બરાને સમ્રાટને પોતાનો ખભો આપ્યો. આ ઘટના પછી તો બાર્બરાનો પ્રભાવ બ્રિટનમાં ઓર વધ્યો.
હવે તેનું પ્રથમ ટાર્ગેટ હતો લોર્ડ ક્લોરેન્ડોન. બ્રિટનના રાજદરબારમાં ક્લોરેન્ડોનનો પ્રભાવ અભૂતપૂર્વ હતો. બ્રિટનની આર્થિક બાબતો વિશેન તમામ નીતિવિષયક બાબતોના નિર્ણયો ક્લોરેન્ડોન લેતો હતો. તેની હેસિયત કોઈ રાજ્યના મુખ્યમંત્રીથી કમ નહોતી. બાર્બરાએ તેની દુખતી રગ પર હાથ મૂક્યો. બાર્બરાએ સતત એવા પ્રચારનો મારો ચલાવ્યો કે, બ્રિટનની ખરાબ આર્થિક હાલત માટે ક્લોરેન્ડોનની સડેલી નીતિઓ જવાબદાર છે. ક્લોરેન્ડોનના પદ પર રાજ્યના અન્ય અનેક અમલદારોની નજર હતી. આવા અનેક અમલદારોનો સાથ બાર્બરાને મળ્યો. ક્લોરેન્ડોન વિરૂદ્ધ બાર્બરાએ જોરદાર હવા બાંધી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે, એક વખત સમ્રાટએ ક્લોરેન્ડોનને મળવા બોલાવ્યો અને તેની વિરૂદ્ધના આક્ષેપો અંગે તેનો ખૂલાસો પૂછ્યો. ક્લોરેન્ટડોએ આ બધા આક્ષેપો બદલ બાર્બરાને દોષિત ઠેરવી. બસ. આ દલિલ સાંભળતા જ સમ્રાટનો પીત્તો ગયો. તત્ક્ષણ સમ્રાટએ ક્લોરેન્ડોનને પદભ્રષ્ટ કર્યો.
બાર્બરાનો સિતારો વધુ ચમકવા લાગ્યો. તેને લાગતું હતું કે, એ સમ્રાટ પાસે કંઈપણ કરાવી શકે છે. એક વખત એક સાવ નાની આવે ભૂલ બદલ તેણે સમ્રાટ પાસે ભર્યા દરબારમાં માફી મંગાવી. આખો દરબાર સ્તબ્ધ હતો. બ્રિટનનો સર્વસત્તાધિશ એવો સમ્રાટ ચાર્લ્સ ઘુંટણીયે પડીને બાર્બરાની માફી માંગી રહ્યો હતો. એ બાર્બરાની કે જેની હેસીયત અધિકૃત રીતે રાણીની સહાયક માત્રની હતી. કહેવાય છે કે, સ્ત્રીમાં એવી શક્તિ હોય છે કે, તે ઇચ્છે તો ભલભલાને ઝૂકાવી શકે. આ વાતનો અનુભવ આજે આખો દરબાર કરી રહ્યો હતો. કદાચ એ જ દિવસે સમ્રાટ ચાર્લ્સએ વિસારી લીધું હતું કે બાર્બરાને કદ પ્રમાણે વેતરવાનો સમય હવે પાકી ગયો છે.
સમ્રાટને માફી મંગાવ્યાના અરસામાં જ બાર્બરાએ એક પછી એક એમ ત્રણ પુરુષો સાથે સંબંધ બાંધ્યા. થોડાસમય બાદ બાર્બરાએ પોતાનાં છઠ્ઠા સંતાનને જન્મ આપ્યો. સમ્રાટ ચાર્લ્સએ તે સંતાનનો પિતા હોવાનો ઇન્કાર કરી દીધો. એ દિવસનો સૂરજ ઢળ્યો અને બાર્બરાના પ્રભાવનો પણ સૂર્યાસ્ત થઈ ગયો. ટૂંક સમયમાં જ સમ્રાટએ મોલ ડેવિસ નામની એક સુંદર ડાન્સરને પોતાની રખાત બનાવીને રાખી લીધી.
બેશક, બાર્બરાના અધિકૃત સામ્રાજ્યનો અંત આવ્યો હતો. પરંતુ એ અનેક શાહી રહસ્યો જાગતી હતી. તેથી તેણે અગણિત ખિતાબો, અઢળક મિલકત અને ખર્ચ પેટે વાર્ષિક 30 હજાર પાઉન્ડ મળતા રહ્યા. બાર્બરાની બે દીકરીઓ યુવાન થઈ ત્યારે તેમના લગ્ન પાછળ પણ બેશુમાર ખર્ચ કરવામાં આવ્યો. બ્રિટનમાં આ અંગે ખાસ્સો વિવાદ પણ થયો અને નાના-મોટા આંદોલનો પણ થયાં. પરંતુ બાર્બરાને વિશિષ્ટ લાભો મળતા રહ્યા. પુત્રીઓનાં લગ્ન પછી બાર્બરા પેરિસ ગઈ અને ત્યાં પણ તેણે અનેક પુરુષો સાથે સંબંધ બાંધ્યા. એ વર્ષ હતું. ઈ.સ. 1676નું. થોડા સમય પછી એ બ્રિટન પાછી ફરી કે રાજા ચાર્લ્સ વિરૂદ્ધ એક બગાવત ફાટી નીકળી. ચાર્લ્સનું શિર વાઢી નાંખવામાં આવ્યું. સત્તાપલ્ટો થયો અને બાર્બરાને મળતા લાભો બંધ થયા. બાકીનું જીવન કોઈ રહેમ-દયા પર વિતાવીને અંતે તે 1709માં મૃત્યુ પામી અને લોભ, લાલચ, કાવતરા, વાસના તથા ચાલબાજીના એક અધ્યાયનો અંત આવ્યો.