રાજકોટમાં વધુ એક ક્સ્ટોડિયલ ડેથની ઘટના ?
અમરશીભાઈ સિતાપરાનું મોત પોલીસના મારથી થયું કે અન્ય કારણસર તેની તપાસ ચાલું
- Advertisement -
બેડી ચોકડી પાસે અવાવરુ જગ્યાએ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, કપડાં ધૂળવાળા અને ઉઝરડાના નિશાન હતા, સારવાર દરમિયાન મોત નિપજયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટમાં વધુ એક કથિત ક્સ્ટોડીયલ ડેથનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એક વૃદ્ધને પોલીસે મારકૂટ કરતાં મૃત્યુ થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરમાં અરજી કરી છે. બનાવની વિગત અનુસાર મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતાં આનંદભાઈ અમરશીભાઈ સિતાપરાએ તેના પિતા અમરશીભાઈ કાનજીભાઈ સિતાપરાના મૃત્યુ અંગે પોલીસે મારકૂટ કરવાથી મોત થયાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને અરજી કરતાં ચકચાર મચી ગઈ છે. જોકે પીઆઈએ આ બાબતે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
મૃતકના પરિવારજન આનંદ સિતાપરા તરફથી કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત 12 તારીખે તેના પિતા ગૌરીદડ ગામે સપ્તાહમાં સિક્યોરિટી તરીકે ગયા હતા. ત્યાં કોઈ કારણોસર માથાકૂટ થતાં પીસીઆર બોલાવાઈ હતી અને પોલીસની ગાડી આવી હતી. જેમાં ચાર માણસોએ પિતાને ઉપાડીને ગાડીમાં બેસાડ્યા હતા તેવું સાથી સિક્યુરિટીએ જણાવ્યું હતું. આ પછી બેડી ચોકડી પાસે અવાવરુ જગ્યાએ બેભાન હાલતમાં મળી આવતાં અજાણ્યા શખ્સે પિતાના ફોનમાંથી ઘટનાની જાણ કરતાં અમે ત્યાં ગયા હતા.
કપડા ધૂળવાળા અને ઉજરડાના નિશાન હોય 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ અહીં મોત નીપજયું હતું.
મૃતક અમરશીભાઈ સીતાપરાની પી.એમ. બાદ અંતિમવિધિ કરી હતી. પી.એમ. રીપોર્ટ મંગાવતા કાર્ડિયાક બ્રેઈન સ્ટ્રોકને કારણે મોત થયાનું તેમજ રીપોર્ટમાં મલ્ટીપલ ઈન્જરી, લીવર, આંતરડાના ભાગે ઘા, હેમરેજ જેવી ઈજાનું જાણવા મળતાં પિતાને લઈ ગયેલા પોલીસે મારકૂટ કરતાં મોત થયાની દૃઢ શંકા હોય ન્યાયિક તપાસ કરવા માંગ ઉચ્ચારી છે. આ દરમિયાન પીઆઈએ જણાવ્યું હતું કે આ બનાવ વખતે પોલીસે લીગલી કાર્યવાહી કરી હતી. પી.એમ. પણ કરાવ્યું હતું ત્યારે પરિવારજનોનો કોઈ આક્ષેપ હતો નહીં, બીપી વધી ગયું હોવાથી નસ ફાટી જતાં મોત થયું હોવાની પણ શંકા છે છતાં તેના પુત્રનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તપાસ ચાલું છે.