પ્રતિનિયુક્તિના ધોરણે ડીએમસીની નિમણૂક કરવાની માંગ કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ મનપામાં અનેક ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ ખાલીખમ છે. ખાલી જગ્યાઓ પર નવી નિમણૂંક કરવાની તસ્દી પર સરકાર લેતી નથી. હાલમાં જૂનાગઢના ડીએમસીની ધોરાજી ખાતે બદલી કરવામાં આવી છે.
જેના કારણે તે જગ્યા ખાલી પડી છે.આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકાના ડીએમસી જે.એન.લીખીયાની બદલી ધોરાજી પ્રાંત ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
મનપામાં પહેલેથી જ ઉચ્ચ અધિકારીઓની જગ્યા ખાલી છે. નવા અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવતી નથી.ઈન્ચાર્જ અધિકારીઓથી કામ રોડવવામાં આવે છે.
ઈન્ચાર્જ અધિકારીઓની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. પરિણામે પ્રજાના પ્રાથમિક જરૂરિયાતના કામો અને વિકાસના કામોમાં વિલંબ થાય છે. તેથી સરકારને તાત્કાલિક ધોરણે પ્રતિનિયુક્તિના ધોરણે ડીએમસીની નિમણૂંક કરવાની જૂનાગઢની જનતા વતી માંગ કરવામાં આવી છે.