છાત્રાઓનાં મોઢેથી કોળિયો છીનવનારને નરકમાં પણ જગ્યા નહીં મળે
અઢળક ગ્રાન્ટ આવતી હોવા છતાં પણ સામાન્ય પરિવારની દીકરીઓને સારું ભોજન મળતું નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાનાં સમઢીયાળામાં આવેલી કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયમાં 7 મહિના પહેલા બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું છે. કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયની 27 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ થતા દોડધામ મચી ગઇ હતી. સવારે 27 છાત્રાઓને મેંદરડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાનાં પગલે મામલતદાર,મધ્યાહન ભોજન અધિકારી અને ગામનાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. સામાન્ય પરિવારની દીકરીઓને સારું શિક્ષણ મળે તે માટે અઢળક ગ્રાન્ટ આવે છે.પરંતુ વચેટીયાનો મીલીભગતથી દીકરીઓનુ સારુ ભોજન પણ ન મળતું હોવાનું સાબીત થઇ રહ્યું છે. અંદાજે 7 માહિના પહેલા મેંદરડાનાં સમઢીયાળા ગામે આવેલી કસ્તુરબા ગાંધી ક્ધયા(બાલીકા) વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. સંસ્થાનાં જવાબદાર લોકોએ દ્વારા સારવાર લઇ ભીનું સંકેલી લીધું હતું. આ ઘટનાને દબાવી દેવામાં આવી હતી. પરંતુ પાપીઓનું પાપ છાપરે ચઢીને પોકારે તેમ ફરી આજે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. અનુસંધાન પાના નં. 2 પર
DEPOએ ઇમાનદારીથી સંસ્થાની તપાસ કરવી જોઇએ
જૂનાગઢનાં ડીપીઇઓએ સમઢીયાળાની કેજીબીવી સંસ્થાની તપાસ કરવી જોઇએ. ઇમાનદારી અને તટસ્થ રીતે તપાસ કરવી જોઇએ. જૂનાગઢમાં હાલ ઇન્ચાર્જ ડીપીઇઓ ઘુંચલા છે. આ સંસ્થામાં બનેલી બીજી વખત ઘટના બાદ કેટલા પગલા લે તેના પર નજર છે. આ વખતની ઘટના બાદ પગલા લેવામાં આવે છે કે પછી સાત મહિના પહેલા બનેલી ઘટનાની જેમ પાણી રેડી દેવામાં આવશે તે જોવાનું રહ્યું.
ભોજનનાં કારણે ફૂડ પોઇઝનિંગ થયું : મધ્યાહન ભોજન અધિકારી રાઠોડ
મધ્યાહન ભોજન અધિકારી રક્ષાબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભોજનનાં કારણે ફૂડ પોઇઝનિંગ થયું છે. તબીબ સાથે વાત કરી છે. હાલ કોઇ તકલીફ નથી. જવાબદારોને સુચના આપી છે. આ પહેલા ઘટના બની ત્યારે હું રજા ઉપર હતી.
- Advertisement -
7 મહિનામાં બીજી ઘટના: રાતે કાચા પરોઠા અને સવારે કાચા ઢોકળા ખાધાં
મામલતદાર, મધ્યાહન ભોજન અધિકારી સહિત ગામનાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયા
બનાવની મળતી વિગત મુજબ મેંદરડાનાં સમઢીયાળા ગામે આવેલી કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયની 27 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું. તમામને મેંદરડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ મામલતદાર, મધ્યાહન ભોજન અધિકારી,સમઢીયાળા ગામનાં આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં. અહીં અધિકારીઓ સામે ગામનાં આગેવાનોએ વારંવાર બનતી ઘટનાને લઇ ઉગ્ર રજુઆત કરી હતી. આ પહેલા પણ અહીં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. છતા પણ કોઇ પગલા લેવામાં આવ્યાં ન હતાં. જેના પગલે સાત મહિનામાં બીજી વખત ઘટના બની છે. ગામનું નામ બદાનામ થતું હોય લોકોને રોષ વ્યક્ત કર્યો હતો. છાત્રાઓએ કહ્યું હતું કે, રાતે કાચા પરોઠા અને સવારે કાચા ઢોકળા અને ચણા આપવામાં આવ્યાં હતાં. કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલય સમગ્ર સર્વ શિક્ષા અભિયાન હેઠળ ચાલે છે. સામાન્ય પરિવારની દીકરીઓને સારુ શિક્ષણ મળે તેવા પ્રયાસ કરવામાં આવે છે. સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ આપવાાં આવે છે. પરંતુ વચેટીયાઓની મીલીભગતનાં કારણે દીકરીઓને યોગ્ય ભોજન પણ મળતું નથી. સમઢીયાળામાં આગઉ બનેલી ઘટનામાંથી બોધાપાઠ લેવાનું તંત્રએ માંડી વાળ્યું હતું. જેના કારણે આજે ફરી ઘટના બની છે. ભોજન સહિતનું કામ કરનાર અને કેજીબીવીનાં અધિકારીઓ સામે આકરા પગલે લેવામાં આવતા નથી. જેના કારણે સારુ સુવિધા કે સારુ ભોજન દીકરીઓને મળતું નથી.જેના કારણે વારંવાર આવી ઘટના બની રહી છે. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ ઘટનાનાં પગલે આગેવાન વિનુભાઇ રાજાણી અને ચિરાગભાઇ રાજાણી સહિતનાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા અને આ ઘટનાને લઇ રજુઆત કરી હતી.
7 મહિના પહેલાં ‘ખાસ-ખબર’માં અહેવાલ પ્રકાશિત કરાયો હતો
સાત મહિના પહેલા ફૂડ પોઇઝનીંગની ઘટના બની ત્યારે ખાસ ખબરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં.પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેના કારણે ભોજનનું કામ કરનારને જાણે પ્રોત્સાહન મળ્યું હોય તેમ ફરી ઘટના પ્રકાશમાં આવી છે.
બેથી ત્રણ દિવસમાં કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવશે
સમઢીયાળા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બનતા આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતાં અને અધિકારીઓ સાથે ઉગ્રચર્ચા કરી હતી. ત્યારે આ ઘટના બાદ બે થી ત્રણ દિવસમાં કાયમી ધોરણે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આગેવાનો ખડેપગે રહ્યાં
કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વિનુભાઇ રાજાણી અને ચિરાગભાઇ રાજાણી હોસ્પિટલે દોડી ગયા હતા. આ બન્ને આગેવાનો ખડાપગે હાજર રહ્યાં હતાં. તેમજ આવી ઘટના બીજી વખત ન બને તે માટે રજુઆત કરી હતી.