ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
કેશોદ નગરપાલિકા વિસ્તારના વેરાવળ રોડ પર આવેલી દ્વારકાધીશ માર્કેટની અધિકારી દ્વારા સ્થળ તપાસ દરમિયાન સદરહુ ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું જણાયેલ છે. નગરપાલિકા દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને લઇ પહેલાંથી જ મિલકતઘારકોને અનેકવાર મૌખિક સૂચનાઓ તથા તા.01-06-2024 અને તા.22-07-2024ના રોજ લેખિતનોટિસ આપીને ઈમારતનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી, સરકાર માન્ય સ્ટ્રકચરલ ઇજનેરના માર્ગદર્શન હેઠળ જરૂરી મરામત કરાવી સ્ટેબિલિટી રિપોર્ટ અત્રેની કચેરીને રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તેમ છતાં, આજદિન સુધી મિલકતપારકો તરફથી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતા. કેશોદ નગરપાલિકા દ્વારા આખરી નોટિસ આપી 15 દિવસની અંદર ઈમારત ખાલી કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. આમ છતાં મિલકત ધારકો દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં,નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સ્ટાફ દ્વારા સદરહુ ઇમારતને કોર્ડન કરીને જાહેર અવરજવર માટે બંધ કરવામા આવી તથા વીજળી, નળ અને ગટરનું કનેક્શન તાત્કાલિક ધોરણે બંધ કરાયું. આ ઉપરાંત તમામ 419 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ ઈમારતમાં દરરોજ આશરે 200 થી 300 લોકો અવરજવર કરતાં હોવાથી, ઈમારતના ધરાશાયી થવાના જોખમને પગલે મોટી જાનહાની થવાની શક્યતા હતી. જનસુરક્ષાને અનુરૂપ અને ભૂલચૂકથી કોઈ જાનમાલના નુકસાનથી બચવા માટે, આ તમામ પગલાં સાવચેતીના હેતુથી લેવામાં આવ્યા છે.