કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો: મનસુખ માંડવીયાએ ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.21
- Advertisement -
પોરબંદરના ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આજરોજ પોરબંદર લોકસભા વિસ્તારના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તા સાથે બેઠક યોજાઈ હતી તેમજ પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાના સમર્થકોએ મોટી સંખ્યામાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
પોરબંદરની ચોપાટી પર આવેલા પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસને છોડનાર સેંકડો કાર્યકર્તાઓનો ભાજપમાં વિધિવત પ્રવેશ થયો હતો. ઓશિયાનિકથી વિશાળ સંખ્યામાં કોંગ્રેસના પૂર્વ કાર્યકરો અને આગેવાનો શક્તિ પ્રદર્શન સ્વરૂપે ચોપાટીના પાર્ટી પ્લોટ ખાતે આવી પહોંચ્યા ત્યારે અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાએ તેમના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પણ નરેન્દ્ર મોદીથી થરથર ધ્રુજે છે તેનુ સૌથી મોટુ ઉદાહરણ સર્જીકલ સ્ટ્રાઇક છે. તેમણે જણાવ્યું હતું કે આઝાદી – સમયે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અને આઝાદી બાદ 2019માં સરદાર વલ્લભભાઇ પટેલ અને નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રયત્નો થયા છે તેનાથી પાકિસ્તાન સારી રીતે વાકેફ છે.
અયોધ્યાના રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે હાજરી આપવાનો કોંગ્રેસે ઇન્કાર કરીને જે પગલું ભર્યુ હતું તે શરમજનક છે અને તેથી જ હું અર્જુનભાઈ મોઢવાડીયાને ખાસ અભિનંદન આપું છું કે એ સમયે કોંગ્રેસની સાથે હોવા છતાં તેમણે તેમના કેન્દ્રના નેતાઓના પગલાંનો વિરોધ કર્યો હતો.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે કદાચ હું પોરબંદરનો પહેલો એવો સાંસદ હોઇશ કે જે વારંવાર અહીં આવતો રહ્યો છું. કોઈના સગાઈ લગ્ન જેવા નાના-નાના પ્રસંગોમાં પણ મેં કયારેય હાજરી આપવાની કોઈને ના નથી પાડી. પોરબંદરવાળા મને ઓળખતા ન હતાં છતાં પોરબંદર સીટ ઉપરથી મને 53,000 મતની લીડ મળી હતી એટલે આ વખતે અર્જુનભાઇ મોઢવાડીયા અને કોંગ્રેસ પણ ભાજપમાં ભળ્યા છે ત્યારે સવા લાખ મતથી વધુની લીડ અપાવવી જ પડશે.
- Advertisement -
વધુમાં અર્જુનભાઇ મોઢવાડીયાએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ ઉપર આકરા ચાબખા માર્યા હતા અને જે રીતે 1947માં આઝાદી મેળવવા સમગ્ર દેશ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં એક થયો તે રીતે હવે સમગ્ર દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આર્થિક આઝાદી માટે એક થઇ રહ્યો છે તેમ જણાવીને વધુમાં તેઓએ ઉમેર્યુ હતુ કે હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહની ટીકા કરવામાંથી ઉંચો આવતો ન હતો જ્યારે ભાજપમાં આવ્યો ત્યારે સંકુચિતતાથી પર થઈ ગયો છું અને 370 નહીં 400થી વધુ સીટ ભાજપને મળશે અને ગુજરાતમાં તમામ 26 સીટ પર ભાજપને પાંચ લાખથી વધુની લીડ મળશે.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર જિલ્લાના ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને પંકજભાઈ મજીઠીયા,ભાજપના પ્રદેશના આગેવાનો પ્રદીપભાઇ ખીમાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામભાઇ મેપાભાઇ ઓડેદરા, સામતભાઈ ઓડેદરા, અર્જુનભાઇના નાના ભાઇ રામદેવભાઇ મોઢવાડીયા, સંજયભાઈ કારીયા, અતુલભાઈ કારીયા સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ આગેવાનોના હસ્તે કેસરીયા ખેસ ધારણ કર્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા ટીમ ભાજપે જહેમત ઉઠાવી હતી.