કાશ્મીરનું નામ બદલવાની હિલચાલથી રાજકીય ગરમાવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરનું નામ બદલવા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે ‘JK and Ladakh Through the Ages’ના પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું કે, ‘કાશ્મીરનું નામ ઋષિ ‘કશ્યપ’ કરવામાં આવી શકે છે. શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રૂટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે, ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો.’ જો કે, કાશ્મીરનું નામ બદલવાની વાતથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
- Advertisement -
અમિત શાહે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે કાશ્મીરી, ડોગરી, બાલટી અને ઝંસ્કારી ભાષાને શાસન કરવાની મંજૂરી આપી, જે બદલ હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. પીએમનો આગ્રહ હતો કે, યૂટી જાહેર થયા બાદ કાશ્મીરની નાનામાં નાની ભાષાને જીવંત રાખવામાં આવે. આ પરથી સાબિત થાય છે કે, વડાપ્રધાન કાશ્મીર ઘણું વિચારી રહ્યા છે. કલમ 370 મુદ્દે તેમણે કહ્યું કે, ‘કલમ 370 અને 35A દેશને એક થતા રોકવા માટેની જોગવાઈ હતી. આ કલમો અંગે બંધારણ સભામાં બહુમતી ન હતી. તેથી જ તે સમયે તેને કામચલાઉ બનાવાઈ હતી, પરંતુ આઝાદી પછી મોદી સરકાર દ્વારા આ કલંકિત પ્રકરણને દૂર કરાયું અને મોદી સરકાર દ્વારા વિકાસના માર્ગો ખોલવામાં આવ્યા હતા.’
અલગતાવાદ વિશે તેમણે કહ્યું કે, ‘કલમ 370ના કારણે જ કાશ્મીરના યુવાનોમાં અલગતાવાદના બીજ વવાયા. કલમ 370એ ભારત અને કાશ્મીર વચ્ચેના સંબંધોને તોડી નાખ્યા, તેથી જ ખીણમાં આતંકનો વિકાસ થયો અને ફેલાયો, પરંતુ કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંક ઓછો થયો છે.’