અનેક વિવાદોમાં ફસાયા બાદ સીબીએફસી તરફથી પ્રમાણપત્ર મળી જતાં ઈમરજન્સી જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં જોવા મળશે
ભાજપ સાંસદ કંગના રનૌતે જાહેરાત કરી હતી કે, તેની ફિલ્મ “ઇમર્જન્સી” 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કંગનાએ કહ્યું કે, ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાથી ચૂકી ગયાં પછી આખરે ટીમને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવનાર કંગનાએ તેમનાં સોશિયલ મીડિયા એક્સ પર ફિલ્મની રિલીઝ તારીખ શેર કરી હતી. તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે: “17મી જાન્યુઆરી 2025 રાષ્ટ્રની સૌથી શક્તિશાળી મહિલાની ગાથા અને તે ક્ષણ જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. તે ’ઇમર્જન્સી’ 17-01-2025 ના રોજ સિનેમાઘરોમાં જ રીલીઝ થશે.
- Advertisement -
કંગના દ્વારા લખાયેલ, દિગ્દર્શિત અને સહ-નિર્મિત “ઇમરજન્સી”, અગાઉ ઘણાં વિલંબ પછી સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ તેનું પ્રમાણપત્ર સીબીએફસી સાથે અટવાયું હોવાથી તેનું સ્ક્રીનિંગ થઈ શક્યું ન હતું. શિરોમણી અકાલી દળ સહિત શીખ સંગઠનોએ તેનાં પર સમુદાયને ખોટી રીતે રજૂ કરવાનો અને તથ્યોને ખોટાં પાડવાનો આરોપ લગાવ્યાં બાદ આ ફિલ્મ વિવાદમાં ફસાઈ હતી.જે બાદ હવે આ ફિલ્મ જાન્યુઆરીમાં રીલીઝ થશે.