મોરબીમાં યોજાયેલ ડાયરામાં લોકસાહિત્યકાર યોગેશદાન બોક્ષાની કડવી સલાહ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ખાતે કોરોનામાં મૃત્યુ પામેલ મૃતાત્માઓના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત સપ્તાહમાં દરરોજ નવી નવી વાતો સામે આવી રહી છે તે દરમિયાન આ કથામાં રાત્રે યોજાયેલ ડાયરામાં લોકસાહિત્યકાર યોગેશદાન ગઢવીએ હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા દિવ્યાંગ બાળક કમા વિશે કરેલી ટિપ્પણી ચર્ચાસ્પદ બની છે. યોગેશદાન ગઢવીએ સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે, કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે, એને ડાયરામાં નચાવાય, ધુણાવાય નહીં !
- Advertisement -
મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં રાત્રીના માયાભાઇ આહીર, પૂનમ બારોટ, અનિલભાઈ વાંકાણી અને યોગેશદાન ગઢવી સહિતના કલાકારોની હાજરીમાં લોકડાયરો યોજાયો હતો જેમાં લોકસાહિત્યકાર યોગેશદાન ગઢવીએ સ્ટેજ પરથી કહ્યું હતું કે, કોઈ કલાકારે તેમને ડાયરામાં દિવ્યાંગ બાળક કમાને લાવશો કે નહીં તેવું પૂછતાં તેમને કહ્યું હતું કે, કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે, એને ડાયરામાં નચાવાય, ધુણાવાય નહીં, કમો દિવ્યાંગ છે એના મનમાં શું ચાલતું હોય તે જાણી ન શકાય. એક દિવ્યાંગની આવી મશ્કરી ન હોય તેવું જણાવ્યું હતું તો વધુમાં યોગેશદાન ગઢવી કહ્યું હતું કે, હું કમો નહીં પણ નમો લાવવાવાળો માણસ છું. આજથી 20 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવું મંચ ઉપરથી બોલવાવાળો હું એક જ હતો જે વાતના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાક્ષી હોવાનું પણ તેમને કહ્યું હતું.