મીઠાઈના ભાવમાં રૂા. 40નો વધારો
આવતીકાલે વિજ્યાદશમીના મહાપર્વે શહેરીજનો લાખોની મીઠાઈ અને ફરસાણ ઝાપટી જશે. જે માટે રાજકોટમાં ઠેર-ઠેર ચોળાફળી અને જલેબીના મંડપ ઉભા કરવામાં આવ્યા છે. કાલે વહેલી સવારથી જ મીઠાઈ લેવા માટે લાંબી લાઈનો લાગશે.
- Advertisement -
દશેરા પર્વને આડે હવે બસ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં મીઠાઈની દુકાનો અવનવી મીઠાઈઓ સાથે સજીધજી ચૂકી છે તો બીજી તરફ અત્યારથી જ મીઠાઈની ખરીદીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. દશેરાનો તહેવાર આવતા મીઠાઈની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળશે. ફાફડા-જલેબી રૂા. 400ના કિલો અને દૂધની મીઠાઈ રૂા. 400થી માંડીને રૂા. 1800ની કિલોના ભાવે વેચાઈ રહી છે. જો કે આ વર્ષે પણ મીઠાઈના ભાવમાં કોઈ વધારો થયો નથી તેવું મીઠાઈના વેપારીઓએ જણાવ્યું હતું.
મીક્સ મીઠાઈનું વેચાણ વધુ: ભાવમાં વધારો નહીં
શિવશક્તિ ડેરી અને સ્વીટના જગદીશ પટેલે ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે આ વર્ષે મીઠાઈના ભાવમાં કોઈ વધારો થયો નથી. ઘરાકી પણ સારી છે. ઉપરાંત લોકોમાં મીક્સ મીઠાઈની ડિમાન્ડ વધુ છે. મીક્સ મીઠાઈ રૂા. 500ની કિલો, સાટા રૂા. 440ના કિલો, જલેબી રૂા. 480 અને ફાફડા 400ના કિલોનો ભાવ છે. સાથે 300થી વધુ પ્રકારની મીઠાઈઓ છે જેનો ભાવ રૂા. 400થી શરૂ કરી રૂા. 1200 સુધીનો છે અને કાજુની આઈટમ જેમાં ચોકોપીઝા રૂા. 1060ની કિલો, રૂપરાણી રૂા. 1050, સ્ટ્રોબેરી કસાકા સહિતની અનેક ફ્લેવરની મીઠાઈઓ ઉપલબ્ધ છે.
ઘીના ભાવ વધતાં મીઠાઈમાં રૂા. 40નો વધારો
યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ ડેરીના સંચાલક દિપ દોમડીયાએ જણાવ્યું કે આ વર્ષે ઘીના ભાવ વધતાં મીઠાઈના ભાવમાં રૂા. 40થી 50નો વધારો થયો છે. દશેરા આવતાં સૌથી વધારે સાટા અને ઘારીની ડિમાન્ડ લોકોમાં વધુ છે. જલેબી રૂા. 600ની કિલો, ફાફડા રૂા. 240ના કિલો, ઘારી 880ની કિલો, ખાજલી રૂા. 700ની કિલો, સાટા રૂા. 500ના કિલો, કેસર સાટા રૂા. 900ના કિલો, મોહનથાળ રૂા. 500નો કિલો, મેશુબ રૂા. 520ના કિલોના ભાવે વેચાય છે. સાથે 40થી 45 પ્રકારની મીઠાઈઓ ડેરીમાં ઉપલબ્ધ છે અને રૂા. 380થી રૂા. 1500 સુધીની કિલોના ભાવે મીઠાઈ વેચાય છે.