રવિવાર, 19 ઓક્ટોબરે યોજાનાર યજ્ઞમાં રાષ્ટ્રની સુરક્ષા અને વીર જવાનોની ઉર્જા શક્તિ માટે સામૂહિક આહુતિ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
ભાવનગર જિલ્લાના પાલીતાણા સ્થિત સુપ્રસિદ્ધ કાલભૈરવ પીઠ, ભૈરવનાથ મંદિર ખાતે રવિવાર, તા. 19મી ઓક્ટોબર, 2025ના રોજ કાળી ચૌદશ (કાલરાત્રી) નિમિત્તે ભવ્ય ’શ્રી કાલભૈરવ મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના યજ્ઞની મુખ્ય થીમ ’યજ્ઞ સિંદૂર’ રાખવામાં આવી છે. આ મહાયજ્ઞનો મુખ્ય હેતુ ગુજરાતનું લોકકલ્યાણ, ભારત દેશની સુરક્ષા, સમગ્ર રાષ્ટ્રની ચેતના અને ભારતના વીર ફૌજી જવાનોની ઉર્જા શક્તિમાં વધારો થાય તે માટે સામૂહિક પ્રાર્થના કરવાનો છે. આ ધાર્મિક આયોજન દેશભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ રચશે.
- Advertisement -
મંદિરના મહંત રમેશભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ થનારા આ યજ્ઞમાં લાકડાં, સરસવનું તેલ, કાળા તલ અને શ્રીફળ સહિતની મોટી માત્રામાં યજ્ઞ સામગ્રીની આહુતિ આપવામાં આવશે. ધાર્મિક માન્યતા મુજબ, અહીં આવેલા ભારતના સૌથી મોટા પદ્મકુંડમાં યજ્ઞ કરવાથી રાજયોગ પ્રાપ્ત થાય છે અને ત્રિકોણ કુંડમાં યજ્ઞ કરવાથી શત્રુ મર્દન થાય છે. આ પવિત્ર પ્રસંગે ગુજરાત અને દેશભરમાંથી હજારો ભક્તો, રાજકીય આગેવાનો અને ધર્મપ્રેમીઓ ઉમટી પડશે.