મુંબઇમાં રહેતા ડો. ઉદય મોદી ભાયંદર વિસ્તારમાં એમનું આયુર્વેદીક દવાખાનું ચલાવે છે. એક દિવસ રાતે લગભગ 10 વાગ્યાની આસપાસ ડો. મોદી દવાખાનું બંધ કરવાની તૈયારીમાં હતા ત્યારે 82 વર્ષની ઉંમરના વૃદ્ધ દાદા દવા લેવા માટે આવ્યા. આમ તો આ દાદા એમના દવાખાને દવા લેવા માટે નિયમિત રીતે આવતા પરંતુ આજે ડો. મોદી સાથે વાત કરતા કરતા દાદા રડી પડ્યા. ડો. મોદીએ દાદાજી સાથે લંબાણપૂર્વક વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ 82 વર્ષના દાદા અને એમના 78 વર્ષની ઉંમરના પત્ની બંને એકલા જ રહે છે. એમને ત્રણ દીકરા છે પરંતુ દીકરાઓ અલગ રહે છે. વૃદ્ધોની સેવા કરનાર બીજુ કોઇ જ નથી. દાદી લકવાગ્રસ્ત હતા અને દાદાજીને પગનો વા હતો એટલે ચાલી શકાતું નહીં. દાદાજીએ વ્યથા ઠાલવતા કહ્યું કે મારા પત્નીની હાલત એવી છે કે એ રસોઇ બનાવી શકે તેમ નથી અને બહારથી ટિફિન લાવવા માટે અમારી પાસે પુરતી બચત નથી.
ડો. મોદીને આ વાત હલબલાવી ગઇ. ઘરે જઇને એમણે એમના પત્ની કલ્પનાબેનને આ વાત કરી. મોદી દંપતિએ એવું નક્કી કર્યું કે આપણા ઘરેથી જ આપણે રોજ એમને ટિફિન મોકલાવીએ. બીજા દિવસથી જ આ ટિફિન સેવા શરૂ થઇ ગઇ. ડો. મોદીના પત્નીએ વધારાની રસોઇ બનાવવામાં કંટાળો બતાવવાના બદલે ઉલટાનું એમ કહ્યું કે આવા તો બીજા ઘણા વૃદ્ધો હશે જે એકલા રહેતા હશે અને શારીરિક અશક્તિને કારણે રસોઇ નહીં બનાવી શકતા હોય અથવા આર્થિક સ્થિતિની કારણે બહારથી જમવાનું નહીં મંગાવી શકતા હોય અને ભૂખ્યા રહેતા હશે. આપણે આવા બધા લોકો માટે ટિફિન સેવા શરૂ કરીએ. ડો. મોદીએ આવા એકલા રહેતા અને જમવાની વ્યવસ્થા ન થઇ શકે તેમ હોય એવા વૃદ્ધોને શોધવા માટેનું અભિયાન શરૂ કર્યું. 2008ના વર્ષમાં એમણે આવા 10 વૃદ્ધોને શોધી કાઢ્યા અને એમના ઘરે રોજે રોજ ટિફિન મોકલવાની સેવા શરૂ કરી. 10 ટિફિનથી શરૂ થયેલી આ સેવા આજે 180 ટિફિન સુધી પહોંચી ગઇ છે. રસોઇ બનાવવા માટે અલગથી બે રસોડાઓ તૈયાર કર્યા છે અને બે રસોઇયા રાખીને રસોઇ બનાવવામાં આવે છે. એક રસોડા પર સામાન્ય રસોઇ બને અને બીજા રસોડા પર ડાયાબીટીસના દર્દીઓ માટેની રસોઇ બને. દર સોમવારે મીઠાઇ પણ જમાડવામાં આવે છે.
- Advertisement -
ડો. મોદીની આ સેવામાં ઘણા યુવાનો પણ જોડાયા છે અને આ યુવાનો રોજે રોજ દાદા-દાદીઓને ગરમા-ગરમ ટિફિન પહોંચાડે છે તેમજ એમની દવાનું પણ ધ્યાન રાખે છે. ડો. મોદી આ તમામ વૃદ્ધોને જે દવાઓ આપે છે એનો પણ કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. છેલ્લા 8 વર્ષમાં એકપણ દિવસ એવો નથી ગયો કે દાદા-દાદીને ટિફિન ન મળ્યું હોય. ડો. મોદીની આર્થિક સ્થિતિ સામાન્ય છે એટલે મિત્રો અને દાતાઓ જે મદદ કરે તેમાંથી જ આ ટિફિન સેવા ચલાવે છે.
એક ધનાઢ્ય માણસે આ સેવા કાર્ય માટે ખૂબ મોટી રકમ આપવાની ઓફર કરી પણ શરત એ મૂકી કે આ ટિફિન સેવાની સાથે એમનું નામ જોડવામાં આવે. ડો. મોદીએ વિનમ્રતાપૂર્વક એમની ઓફરનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે જેમણે વૃદ્ધાવસ્થમાં મા-બાપની હૃદયથી સેવા કરી છે એવા શ્રવણનું નામ જ આ ટિફિન સેવા સાથે જોડાયેલું રહેશે. આ ટિફિન સેવાનું નામ છે શ્રવણ ટિફિન સેવા.
આજે સગા દીકરા-દીકરીઓ માતા-પિતાને સાચવવા માટે તૈયાર નથી એવા સમયમાં બીજાના માતા-પિતાની પોતાના માતા-પિતાની જેમ જ સેવા કરતા લોકો કળયુગમાં શ્રવણની યાદ અપાવે છે.
આપવાથી ક્યારેય કોઈ કંગાળ બન્યું નથી. – એના ફ્રાંક