સોમનાથ સંસ્કૃત યુનિ.માં કલા મહાકુંભ યોજાયો
કલા મહાકુંભ એ સમાજના છેવાડે રહેલા કલા-કસબીઓની કલાને ઉત્તેજન આપવાનું માધ્યમ બન્યો છે. – સાંસદ રાજેશ ચુડાસમા
- Advertisement -
1200 કલાકારોએ વિવિધ પ્રકારની 23 કૃતિઓનું નિદર્શન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.5
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં કલા મહાકુંભ : 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યુવા કલાના ઉત્સવ કલા મહાકુંભ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કલા મહાકુંભને સંબોધન કરતાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, કલા મહાકુંભને લીધે સમાજના છેવાડે રહેલી યુવા પ્રતિભાઓ અને કલા-કસબીઓને પોતાની કલાને નિદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ મળ્યું છે. તેમણે આ અંગે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, તેમના તાજેતરના એક પ્રવાસ દરમિયાન ગીરના નેસની મુલાકાતમાં જાનકી નામની યુવા કલાકાર દ્વારા જે દુહા અને છંદ સંભળાવવામાં આવ્યાં અને તેનો વીડિયો વાઈરલ થતાં લાખો લોકોને તેની પ્રતિભાની જાણ થઈ હતી. અને આ રીતે એક ઉભરતા કલાકારને નવું પ્લેટફોર્મ મળ્યું હતું. જે કલાની તાકાતને દર્શાવે છે.



