લોકોને સસ્પેન્ડ કરવાથી પ્રજાને શો લાભ?
કોઈ જેન્યુઈન કેઈસ હોય, અત્યંત જરૂરિયાતમંદ પરિવાર હોય, બધી રીતે લાચાર હોય અને એવી સ્થિતિમાં આપણે સત્તાધિશોને આવાસ યોજનાનું ઘર અપાવવા ભલામણ કરીએ તો રાજકારણીઓનો એક જ જવાબ હોય છે : ‘પ્રભુ! તમને ખ્યાલ તો છે કે, હવે ડ્રોથી લઈ બધું ઑનલાઈન થઈ ગયું છે! બધું કમ્પ્યુટરાઈઝડ છે, કોઈનું કશું ચાલતું નથી… પહેલાં બધું થતું, હવે કશું થતું નથી!’ હજુ બધું થાય છે, પૂરપાટ ગતિએ થાય છે અને કરવામાં ભાગ્યે જ કોઈ રાજકારણી બાકાત હશે.
- Advertisement -
પારદર્શક વ્યવસ્થા માત્ર સામાન્યજન માટે છે, સમરથ લોકો માટે બધું પારભાસક અને અપારદર્શક છે. રાજકોટ મહાનગરપાલિકાનાં બે મહિલા કોર્પોરેટરોએ પુરવાર કરી બતાવ્યું છે કે ભારતમાં સરકારી વ્યવસ્થા ક્યારેય સજ્જડ કે જડબેસલાક નથી હોતી. ઑનલાઈન વ્યવસ્થામાં પણ સત્તાધિશો ધારે તે ઑફ્ફલાઈન કૌભાંડો કરી શકે છે. કોર્પોરેટર વજીબેન અને દેવુબેનનાં પતિ પરમેશ્ર્વર કવા ગોલતર અને મનસુખ જાદવે પોતાનાં સગાં-સંબંધીઓનાં નામે પૂરા વીસ આવાસ ખંખેરી લીધાં. આ આવાસ એક ખાલી કરાયેલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે હતાં અને વધુ એક આંચકાજનક બાબત એ છે કે, જે વીસ ફલેટ ગૂપચાવી લેવાયા- તેનાં લાભાર્થીઓ વાસ્તવમાં એ ઝૂંપડપટ્ટીમાં રહેતાં ન પણ હતાં!
આખી સિસ્ટમ ભ્રષ્ટ છે. શું અધિકારીઓ- શું પદાધિકારીઓ, હળીમળીને સૌ છપ્પનભોગ જમી રહ્યાં છે. કોર્પોરેશન કવર કરતાં પત્રકાર ઈમરાન હોથીએ આ સ્ટોરી બ્રેક ન કરી હોત તો શું કૌભાંડ ક્યારેય બહાર આવે તેમ હતું? ના. બિલકુલ નહીં. પાર્ટીમાં જાણ થઈ હોત તો પણ પગલાં ન લેવાયા હોત. પગલાં એટલે લેવાયા કે મીડિયામાં ભાંડો ફૂટી ગયો. કૌભાંડ કરો તેનો કોઈ વાંધો નથી, મીડિયા સુધી સમાચાર ન પહોંચવા જોઈએ. આ પાયાનો નિયમ છે રાજકીય પક્ષોનો.
કોણ ભાજપ- કોણ કોંગ્રેસ! કશો જ ફરક પડતો નથી. ભાજપનાં બધાં લોકો મોદી નથી- મોદીમાંથી કશું શીખતાં પણ નથી. હા! મોદીનું નામ જરૂર વટાવે છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે બે જ પાયાનાં તફાવત રહ્યાં છે: (1) મોદી, (2) હિન્દુત્વ. ભ્રષ્ટાચાર મામલે બધાં રાજકીય પક્ષોમાં ભારે સંપ, ભાઈચારો અને એકતા જોવા મળે છે. હજુ તો આ નાની બેબી ફિશનું કૌભાંડ બહાર આવ્યું છે – રાજકીય પક્ષોનાં મગરમચ્છ અને શાર્ક માછલીઓનાં કરતૂત બહાર આવે તો 10 રિકટર સ્કેલનો ભૂકંપ આવી જાય.
- Advertisement -
શહેર ભાજપ પ્રમુખ મૂકેશ દોશીએ આજે મહિલા કોર્પોરેટર સામે શુકન પૂરતાં પગલાં લીધાં છે. આ સસ્પેન્શન વગેરે પણ પ્રજાને અપાતી લોલીપોપથી વિશેષ બીજું કશું નથી. વજીબેન અને દેવુબેન ભાજપમાં હોય કે ન હોય- લોકોને તેનાંથી શો ફર્ક પડવાનો? કશો જ નહીં. વજીબેન કે દેવુબેન કોઈ મહાન- વિઝનરી નેતા છે શું? શું એમનાં નિષ્ક્રિય થવાથી ભારતનો ૠઉઙ ઘટી જશે? વ્યાજદર પર કોઈ પ્રભાવ પડશે? પોવર્ટી ઈન્ડેક્સ નીચે ધસી જશે?
પ્રજાને સસ્પેન્શનથી કશો જ મતલબ નથી. દોષિતો જેલમાં જાય તો જ જનતાને ન્યાય મળ્યો ગણાય. આવાસ કૌભાંડના જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓને જેલભેગા કરીને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ સાબિત કરવાની ઉમદા તક ભાજપ પાસે છે. આમ પણ આ મહિલાઓનો કોઈ મોટો જનાધાર નથી. પાર્ટી પાસે સોફ્ટ ટાર્ગેટ સાધવાનો ઉત્તમ અવસર છે. જોઈએ- પ્રજાને ન્યાય મળે છે કે પછી ઘૂઘરો.
– તંત્રી, ખાસ-ખબર
કિન્નર આચાર્ય