નવરાત્રી મહોત્સવના આયોજકોને તપાસ અર્થે બોલાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીમાં ખેલૈયાઓને અર્વાચીન ગરબાના તાલે ઝૂમાવવા અનેક જગ્યાઓએ આયોજનો થયા છે અને બે વર્ષ બાદ આ રીતે પાસ વિતરણ કરીને રાસોત્સવ યોજનારા નવરાત્રી સંચાલકો જીએસટી વિભાગના રડારમાં આવી ગયા છે અને નોરતા શરૂ થયાના ચાર દિવસ બાદ તાકીદ કરવામાં આવી છે કે, તેમણે કરેલા પાસનું વિતરણ અને અન્ય આયોજન જીએસટીના ધારા ધોરણો મુજબ થઇ રહ્યું છે કે કેમ તે તમામ માહિતી નિર્ધારિત સમયમાં રજૂ કરવી. જીએસટી વિભાગની આ કંકોતરીથી નવરાત્રીના આયોજકો ખેલૈયાઓની સાથે પોતે પણ ગરબે રમવા મજબુર બની ગયા છે. મોરબી સહિત રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. નાના બાળકોથી માંડીને યુવાનો તેમજ આબાલ વૃદ્ધો ગરબે ઘૂમી રહ્યા છે જો કે આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા પાસ આધારિત ગરબા આયોજનને જીએસટીમાં સમાવી લેવાતા ચાલુ નોરતાએ આયોજકોને પણ જીએસટી કચેરીના ચક્કર કાપતા અને ગરબે ઘુમતા કરી દીધા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ચાર નોરતા હેમખેમ પૂર્ણ થયા બાદ જાણે જીએસટી વિભાગે પણ ગરબા આયોજકોને ગરબે ઘુમાવવાનું નક્કી કર્યું હોય તેમ મોરબીમાં પાસ આધારિત અલગ અલગ ગરબા આયોજકોને નોટીસ મોકલી તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે પાસ આધારિત ગરબાને જીએસટીમાં લીધા છે તે મુજબના ક્રાઈટ એરિયામાં આવે છે કે કેમ તે અંગે તપાસ અર્થે બોલાવ્યા છે સાથે સાથે ગરબા આયોજકો લોકોને પાસ કેટલી રકમમાં વેચે છે તે અંગે નિભાવેલું રજીસ્ટર અથવા અન્ય હિસાબ અંગેની માહિતી રજૂ કરવા સુચના આપી છે. આગામી દિવસોમાં તમામ પાસ આધારિત ગરબા આયોજકોને માહિતી જમા કરાવવાની સુચના મોરબી જીએસટી વિભાગના સહાયક કમિશ્નર દ્વારા આપવામાં
આવી છે.