જગદીશ આચાર્ય
અને એ જુની મૌસમો.. કહાં ગયે વો દિન
- Advertisement -
ન જાને કહાં ખર્ચ હો ગયે
પતા હી નહીં ચલા
વો લમ્હે જો બચાકર
- Advertisement -
રખે થે જીને કે લિયે
“કાગજ કી કશ્તી થી પાનીકા કિનારા થા
ખેલને કી મસ્તી થી યે દિલ અવારા થા
કહાં આ ગયે ઇસ સમજદારી કે દલદલ મેં
વો નાદાન બચપન ભી કિતના પ્યારા થા”
આજે તો રાજકોટ ફાટફાટ થઈ રહ્યું છે.નગરમાં માણસો સમાતા નથી અને રસ્તા પર વાહનો સમાતા નથી. શહેરથી દૂર દૂર સુધી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઉભા થઇ રહ્યા છે.પણ એક વખત આ શહેર હતું નાનકડું,નાજુક અને નમણું.સદર વિસ્તાર પછી તરતજ સીમ વગડાની ખુશ્બો આવવા લાગતી.ભરબપોરે બાર વાગ્યા પછી તો સન્નાટો પ્રસરી જતો.બાળકો રેસકોર્સ જાય તો બપોરે બાર વાગ્યા પહેલા ઘરે આવી જવાની બા સૂચના આપતાં. નહિતર બાવો ઉપાડી જાય.
રેસકોર્સમાં હિંચકા અને લપસીયા હતા.અખાડાની રેતીમાં કુસ્તીના દાવપેચ થતા.તેલ માલિશની ચંપી થતી.જુવાનિયાઓ ડબલ બાર ઉપર કસરતો કરતા.બાલભુવનમાં પહેલ વહેલું એક માળ ઊંચું સિમેન્ટનું બુટ બન્યું ત્યારે મોટેરા પણ વિસ્મયભરી નજરે એ જોવા જતા.સીડીઓ ચડી બુટમાંથી લપસીયા ખાતા ત્યારે આખું ડિઝનીલેન્ડ ખૂંદી લીધું હોય એવી મગરુબી થતી. રેસકોર્સમાં પ્રેમ ગલી હજુ બની નહોતી.અને એમ વાત વાતમાં ઉતાવળે પ્રેમમાં પડી જવાની પ્રથા પણ હજુ શરૂ નહોતી થઈ.પ્રેમમાં પડેલા પણ બગીચામાં આઘા આઘા બેસીને ઘાસના તણખલા તોડતાં તોડતાં ધીમી ધીમી વાતો કરતા.લાલ અને લીલી અને પીળા કલરની બંગડીઓની ભેટ અપાતી.હરે કાંચ કી ચુડિયા..નીગાંહો નીગાંહો માં,ઈશારો ઇશારોમાં વાતો થતી.યુવાનો અને યુવતીઓમાં શરમ સંકોચ પણ હોય એવો એ સાત્વિક જમાનો હતો.
રૈયા અને નાના મવા અને મવડી દૂર દૂરના ગામ ગણાતા.ચાલીને ત્યાં જતા ત્યારે વગડે ઘૂમ્યાનો રોમાંચ થતો.વચ્ચે ખેતરો અને વાડીઓ અને કૂવાઓ આવતા.ઘેઘુર વૃક્ષો હતા.વડલાની વડવાઈઓ પકડી હિંચકા ખાઈ શકાતા.ગાડાં કેડી હતી.સામેથી ગાડું આવતું હોય તો સાઈડમાં ઉભા રહીને રસ્તો કરી દેવો પડતો.રસ્તામાં જંગલી ફૂલોની સુવાસો આવતી.આજે એ કેડીઓ પણ નથી.એ વડલા અને વડવાઈઓ પર હિંચકા ખાવાની લિજ્જત પણ નથી.બળદના ગળે બાંધેલી ઘંટડીમાંથી આવતો મધુર અવાજ પણ વિલાઈ ગયો.સીમ વગડો ગુમ થઈ ગયા.ઘણું ઘણું ગુમ થઈ ગયું.ઘણું બદલાઈ ગયું.એક જમાના ગુજર ગયા.એક યુગ સરકી ગયો.મૌસમો બદલાઈ ગઈ.
એ આલમ હતો ફુરસદનો.દોડધામ નહોતી. ગળાકાપ હરિફાઈમાં અસ્તિત્વ ટકાવવા માટે રોજ રોજ હાંફી જતી જિંદગી નહોતી. સમયની કમી નહોતી.સમય પસાર કરવાની પણ સમસ્યા નહોતી. ઢગલાબંધ ભાઈબંધો, ભેરૂબંધો અને ગોઠિયાઓ હતા. ધૂળિયા શેરીમાં લંગડી, સાતતાલી અને સાંકળ સાતતાલી. ઉભી અને બેઠી ખો,થાપો અને લાકડાજુલમણી, ચોર પોલીસ અને નાગોળીયાની રમતો રમાતી. બદનો પસીને પસીને થઈ જતા. ગરિયા અને ભમરડા અને જારીઓ હતી.હથેળીમાં ગરિયો ફેરવવાની પણ એક કળા હતી, સાહેબજી. આજના છોકરાઓને તો ખૂંચામણી નામની પણ એક રમત હતી એ ક્યાંથી ખબર હોય.વરસાદમાં પાણીમાં ભીંજાઈને સુંવાળી બનેલી જમીનમાં “ખીલો” ખૂંચાડીને આગળ ને આગળ વધવાની એ રમત હવે ભૂતકાળ બની ગઈ.ધૂળ વાળી શેરીઓજ ન રહી.રમતાં રમતાં ગોઠણ છોલાય તો એ ધૂળ જ કામ લાગતી.એ ધૂળ શોધું છું પણ મળતી નથી..જેમાં આખેઆખા બાળપણની ધીંગામસ્તીઓ કરી હતી એ શેરીની ધૂળ કાળા બરછટ ડામર હેઠળ દટાઈ ગઈ. લખોટીઓ હતી. લખોટીની રમતમાં વૈવિધ્ય હતું.ભીંતીયો,અને ઉભી અને ગબી અને કપ્પે દુપ્પે. પંજો અને વહેંત મોટી કરવા છોકરાઓ હથેળી પહોળી કરીને જમીન સાથે દબાવતા.ગોળ વર્તુળ દોરીને એની અંદર પડેલી લખોટીની ટાળી દેવાની ઉભી નામની રમતમાં જીતવું હોય તો એક આંખ બંધ કરી,બન્ને હાથમાં રહેલી લખોટી એક બીજા સાથે અથડાવી અર્જુનની માફક નિશાન લેવું પડતું.પાકા આંટોળી થવું પડતું,બાપુ.શેરીમાં ભીંત ઉપર સ્ટમ્પ દોરીને ક્રિકેટ રમતા.કટીયે રન એટલે બેટને દડો અડે એટલે રન દોડવાનો જ.ઊંચા ગલ્લા ઉડતા.ક્યારેક પાડોશીની બારીના કાચ ફૂટતાં. પણ એ ઘરનો કુંવર પણ કારનામામાં શામિલ હોય એટલે મામલો શાંત રહેતો.લોકો કાચને બદલે બારીમાં પૂંઠા ભરાવી દેતા.મકર સંક્રાતિના ચાર માસ અગાઉથી દોરા પાવાનું શરૂ થઈ જતું.50 પેઇસામાં સાંકળ આઠ નું પાંચસો મીટર નું રીલ મળતું. શેરીમાં ઈંટો ગોઠવી તેની નીચે લાકડા સળગાવી ડબલામાં સરસ ઓગાળતા.સોડા બોટલના કાચનો ભૂક્કો તેમાં ઉમેરાતો.એ લૂગદીમાંથી દોરી પસાર થાય પછી એક છેડો પકડીને એક જણ દોરી સૂકવવા માટે દૂર સુધી લઈ જાય.એમાં જો ભૂલે ચુકે પણ દોરી જમીન ઉપર પડે તો બીજા વિશ્વયુદ્ધ જેટલી ગરમા ગરમી થઈ જાય.
દરેક ઋતુ દરેક મૌસમની રમતો હતી.કાંઈ ઘટતું નહીં.આટલી બધી પ્રવૃત્તિ અને આટલા બધા હમસફરો હતા.સમય ખૂટતો.આજે વક્ત બદલી ગયો.એક તરફ માણસ પાસે સમય નથી અને સાથે જ બીજી તરફ સમય ક્યાં પસાર કરવો એ સમસ્યા પણ છે. એ દિલોવાળી દોસ્તી અને એ ગર્મિલા જોશીલા આત્મીય સબંધોના અભાવમાં ઇન્સાન આજે કદાચ એકલો અટૂલો પડતો જાય છે. તન્હા તન્હા થતો જાય છે. ભરે બાઝર હૈ યારો કી તલાશ…
માણસો મળતાવડા, મીઠડા અને મોહબ્બત કરનારા હતા.લોકો એક બીજાના ઘરે બેસવા જતા.વડીલોને ચરણ સ્પર્શ કરાતાં.નાશતામાં ચા સાથે ચેવડો અને પેંડાની જ્યાફતો ઊડતી.દુનિયાભરની વાતો થતી.મહિલાઓ ચોવટોનો આનંદ લૂંટતી.દીવાનખંડોમાં હજુ ટેલિવિઝન અવવાને ચાર દાયકાની વાર હતી.ટી.વી.ના પડદાને સહારે જિંદગી ગુજારવી પડે એ તકલાદી યુગ હજુ શરૂ નહોતો થયો.ઘરમાં રેડિયા વાગતા.મરફી અને ફિલિપ અને ઍકોના મોટા મોટા બટન વાળા રેડિયામાંથી સંગીત રેલાતું રહેતું.હિટાચીનો કાણાં કાણાં વાળો ચામડાના ઘેરા ખાખી કવર સાથેનો ટ્રાન્ઝિસ્ટર રેડિયો જેની પાસે હોય તેનો વટ તો સાતમા આસમાનને સ્પર્શતો.સવારે વિવિધભારતીની મધુર ટ્યુન વાગતી.પ્રભાતિયાં વાગતા.”જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનમાં કોણ જાશે.” એક ફરમાઈશી ગીતોનો પણ કાર્યક્રમ હતો.લોકો પોસ્ટકાર્ડ લખીને ગીતોની ફરમાઈશ કરતા.ફરમાઈશ કરવામાં બરેલીના લોકો દેશભરમાં નંબર વન હતા. એક કાર્યક્રમ ખાસ ફૌજીઓની ફરમાઈશનો હતો.લાન્સ નાયક અને સુબેદાર અને સિપાહીઓના નામ બોલાતા.”ઓ પવન વેગ સે ઊડને વાલે ઘોડે..” એ ગીત તો લગભગ હરરોજ આવતું. બુધવારે રાત્રે આઠ વાગ્યે દુનિયા થંભી જતી. સિલોન સ્ટેશન પર રેડિયાનો કાંટો સ્થિર થઈ જતો. અમીન સાયાનીનો “બિનાકા ગીતમાલા મેં આપકા સ્વાગત હૈ..” એ અવાજ આવે એ સાથે પીન ડ્રોપ સાયલન્ટ થઈ જતું. નવ વાગ્યે છેલ્લે સૌથી વધુ લોકપ્રિય ગીત ક્યુ આવશે એ અંગે દેશમાં ઉત્તેજના રહેતી.
જિંદગી ખુબસુરત હતી, બહેતરીન હતી.સીધા સાદા મનડાં નાની નાની વાતોમાંથી સુકૂન અને આંનદ શોધી લેતા.રોજીંદી જિંદગીમાં પણ ઉત્સવોનો ઉલહાસ રહેતો.
એ જિંદગી હતી હરી ભરી અને લીલીછમ.એ સમય હતો. એ યુગ હતો. વીતી ગયેલો એ સુનહરો જૂનો જમાનો હતો અને એ જૂનું રાજકોટ હતું. અહીં આપણે એ સ્મૃતિઓ વાગોળતા રહેશું. જૂની શેરી ગલીઓ, જુના મકાનો, જુના સાથીઓ, એ હૂંફાળા સબંધો, સદા માટે અલવિદા કરી ગયેલા કરચલીભર્યા ચહેરા વાળા માયાળુ દાદા દાદીઓ અને એમની વાર્તાઓ અને એ જાનદાર દમદાર અતીતને અહીં વાગોળતા રહેશું.
“ન જાને કહાં ખર્ચ હો ગયે
પતા હી નહીં ચલા
વો લમ્હે જો બચાકર
રખે થે જીને કે લિયે”
આપણે એ લમ્હે અહીં યાદ કરતાં રહેશું. આ વાતો ક્યાં ખૂટે એવી છે..!