ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
પવિત્ર ગિરનાર પર્વત પર તારીખ 4 થી 5 ની વહેલી સવારના સમયગાળામાં એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે. ગિરનારના આશરે 5500 પગથિયાં ઉપર આવેલા નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથજીની પવિત્ર જગ્યા ગોરખ ટૂંક ખાતેના મંદિરમાં અજાણ્યા અસામાજિક તત્વોએ પ્રવેશ કરીને ભારે તોડફોડ કરી હતી જે મામલે જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
મૂર્તિ ખંડિત કરતા સાધુ-સંતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં દેશભરના ભાવિકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ સહિત અન્ય સંતોએ આ કૃત્યની નિંદા કરી હતી અને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લેતા 6 ઓક્ટોબરના રોજ જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગોરખનાથજીની નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું, જેથી મંદિર મૂર્તિ વગરનું ન રહે. આ કૃત્યથી માત્ર મંદિરના માળખાને જ નહીં, પરંતુ ભાવિકોની ધાર્મિક આસ્થાને પણ ઊંડો આઘાત પહોંચ્યો છે.
જૂનાગઢ વિહિપ અને બજરંગ દળનું આવેદન: ગિરનાર પર્વત પર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત થતાં આક્રોશ
