જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં રાત્રે દિગંબર સાધુની રવાડી અને શાહી સ્નાન
ભવનાથમાં શરૂ થયેલા શિવરાત્રિનાં મેળાનો આજે અંતિમ દિવસ છે. આજે શિવરાત્રિના દિવસે મધ્ય રાત્રિના દિગંબર સાધુઓની રવાડી નીકળશે અને મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે. 25 ફેબ્રુઆરીથી ભવનાથમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો હતો. કોરાનાના કારણે બે વર્ષથી મેળો થયો ન હોય લોકોની ભીડ જોવા મળી હતી. અંદાજે 8 લાખ કરતાં વધુ ભાવિકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યું છે. મેળામાં દિગંબર સાધુઓના દર્શન કર્યા હતા. મહા વદ નોમથી શરૂ થયેલો મેળો મહા વદ તેરસના મધ્યરાત્રિએ પૂર્ણ થાય છે. આજે શિવરાત્રિ હોય મેળો મધ્ય રાત્રિના પૂર્ણ થશે. ભવનાથનાં મેળામાં શિવરાત્રિનાં દિવસે મધ્ય રાત્રિના દિગંબર સાધુઓ અંગ કસરત, તલવારબાજી, લાઠી દાવ સહિતના દાવ કરશે. બાદ રવાડી મૃગી કુંડે પહોંચશે. મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે. શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. રાત્રિના નીકળનાર રવાડીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રવાટી રૂટ આગળ બેરીકેટ બાંધી દેવામાં આવશે. જો કે રવાડી નિહાળવા માટે લોકો સાંજના પાંચ વાગ્યેથી રૂટ ઉપર ગોઠવાઈ જશે. આજે મેળાનો છેલ્લો દિવસ હોય સવારથી જ ભવનાથ તરફનાં વાહનમાં ભીડ જોવા મળી હતી. બપોર બાદ તમામ વાહન બંધ કરી દેવામાં આવ્યા હતા.
શિવાલયોમાં હર…હર… મહાદેવના નાદ ગુંજ્યા
જૂનાગઢ શહેરમાં આજે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલા ભુતનાથ મહાદેવ, બિલેશ્ર્વર મહાદેવ, ભવનાથ મહાદેવ, ઈન્દ્રેશ્ર્વર મહાદેવ, મુચ્છકુંદ મહાદેવ સહિતનાં મંદિરોએ સવારે ભાવિકોની ભીડ જોવા મળી હતી. શિવાલયોમાં હર… હર… મહાદેવના નાદ ગુંજ્યા હતાં.
- Advertisement -
મેળામાં 12 લાખ ભાવિકો થવાનો અંદાજ

શિવરાત્રિનાં મેળામાં દર વર્ષે 8થી 10 લાખ ભાવિકો થતાં હોય છે. આજ સુધીમાં મેળામાં 8 લાખ જેટલા ભાવિકો આવ્યાનો અંદાજ છે. મેળાના અંતિમ દિવસે દિવસના અને રાત્રિનાં મળી ભાવિકોની સંખ્યા 12 લાખ સુધી પહોંચી જવાનો અંદાજ છે.
બસ સ્ટેન્ડ, ભરડાવાવ, ગિરનાર દરવાજા, કાળવા ચોકમાં ટ્રાફિક
શિવરાત્રિનાં મેળાનો અંતિમ દિવસ હોય સવારથી ભવનાથ તરફ ટ્રાફિક જોવા મળ્યો હતો. શહેરનાં બસ સ્ટેશન, ભરડાવાવ, ગીરનાર દરવાજા, કાળવા ચોક, મજેવડી દરવાજા સહિતનાં વિસ્તારમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.


