વધુ કમાણીની લાલચ ભારે પડી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
વધુ કમાણીની લાલચ આપીને એક અજાણ્યા શખ્સે જુનાગઢના એક શિક્ષક સાથે રૂપિયા 1,34,200ની નાણાકીય છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.
આ છેતરપિંડીનો ભોગ બનનાર વિજયકુમાર કિશોરભાઈ વાઘેલા (રહે. ટીંબાવાડી) અક્ષરવાડી મહંત છાત્રાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 21 એપ્રિલના રોજ એક અજાણ્યા શખ્સે વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે તેમનો સંપર્ક કર્યો હતો અને સરળતાથી વધુ પૈસા કમાવવાની લાલચ આપી હતી. છેતરપિંડી કરનારે શરૂઆતમાં ગુગલ મેપ પર રેટિંગ કરવા બદલ રૂ. 150 અને એક ટાસ્ક પૂર્ણ કરવા બદલ રૂ 3,000 શિક્ષકના યુપીઆઈડીમાં મોકલીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. એકવાર વિશ્વાસ કેળવાયા બાદ, શખ્સે જુદા જુદા ટ્રાન્ઝેક્શન્સ જેમ કે રૂ. 2,000, રૂ. 52,000 અને રૂ. 32,200 (કર્ણાટકા બંડ લિમિટેડમાં) મળીને કુલ રૂપિયા 1,34,200 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ પૈસા પરત ન મળતા શિક્ષકે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ફ્રોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



