ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી, લાંબા સમયથી નાસતા-ફરતા મુખ્ય આરોપીને મધ્યપ્રદેશના મંદસૌર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી રફીકખાન ઉર્ફે જૂનાગઢ રફીકલાલા અગદરશાહખાન (ઉં.વ. 41) મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અખેપુરનો રહેવાસી છે.
આરોપી સામે જૂનાગઢ ’એ’ ડિવિઝન પોલીસ મથકમાં અંદાજે રૂ. 23,37,800ની કિંમતના 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં સંડોવણી હતી. આ ઉપરાંત, માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેફેડ્રોન, ચરસ અને ગાંજા સહિત કુલ રૂ. 52,383ના કેસમાં પણ તે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આરોપી મધ્યપ્રદેશના મંદસૌર ખાતે છુપાયેલો હોવાની સચોટ બાતમી મળતા એસઓજી પીઆઈ આર. કે. પરમારે તાત્કાલિક ટીમ રવાના કરી હતી. એસ.ઓ.જી.ની ટીમે વ્યૂહાત્મક રીતે ઓપરેશન પાર પાડી રફીકલાલાની અટકાયત કરી જૂનાગઢ લાવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે અને આરોપી દ્વારા અન્ય કયા વિસ્તારોમાં નશીલા પદાર્થોની સપ્લાય કરવામાં આવતી હતી તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ પોલીસની આ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



