ગડુ-ખોરાસા ગીર વચ્ચે ચરસની લેતી દેતી કરતા બે શખ્સને ઝડપી લીધા
જૂનાગઢ એસઓજીનું વધુ એક સફળ ઓપરેશન : 5.32 લાખનો મુદામાલ કબજે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ડ્રગ્સનું વેંચાણ કરતા શખ્સો પર એસઓજીએ ઘોંસ બોલાવી છે. વધુ એક વખત સફળ ઓપરેશન પાર પાડયું છે. જૂનાગઢ જિલ્લાનાં ગડુ-ખોરાસા ગીર વચ્ચે ચરસની લેતી દેતી કરતા બે શખ્સને એસઓજીએ રૂપિયા 4.72લાખનાં 3.147 કિગ્રા ચરસનાં જથ્થા સાથે ઝડપી લીધા હતાં.અને પોલીસને કુલ રૂપિયા 5.32 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. બન્ને શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ સહિતનાં કેફી દ્રવ્યનું વેંચાણ થઇ રહ્યું છે.કેટલા શખ્સે યુવાનોને ડ્રગ્સ જેવા નશીલા દ્રવ્યનાં રેવાડે ચડાવી રહ્યાં છે.જૂનાગઢ જિલ્લામાં નશીલા દ્રવ્યનું વેંચાણ કરતા અને હેરાફેરી કરતા શખ્સો ઉપર એસપી રવિ તેજાવાસમ સેટ્ટીની સુચનાથી એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ,પીએસઆઇ એમ.જે.કોડિયાતર સહિતની ટીમ કાર્યરત છે અને નશીલા દ્રવ્યનું વેંચાણ કરતા શખ્સો પર નજર રાખી રહી છે. અનેક વખત જૂનાગઢમાંથી ડ્રગ્સ પકડી પાડયું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાનાં ગડુથી ખોરાસા ગીર રસ્તા પર બે શખ્સો ચરસની લેતી દેતી કરવાની એસઓજીને બાતમી મળી હતી. બાતમીનાં આધારે એસઓજીની ટીમે પહોંચી હતી અને મુળ ખોરાસા(ગીર) અને હાલ કેશોદનાં પીપલીયાનગરમાં રહેતા શરદ મનસુખભાઇ ડાભી અને માળિયાનાં કુકસવાડા ગામે રહેતા દિપક ભાણજીભાઇ સોલંકીને પકડી પાડ્યાં હતાં. તેની તપાસ કરતા તેની પાસે બેગમાં રાખેલ 3.147 કિગ્રા ચરસનો જથ્થો કિંમત રૂપિયા 4,72,050 તથા બે મોબાઇલ, બે મોટર સાયકલ અને 50 રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા 5,32,100નો મુદામાલ કબજે કર્યો હતો. બન્ને શખ્સ સામે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એસઓજીનાં પુંજાભાઇ મેરખીભાઇએ ફરિયાદ નોંધાવી છે. પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લામાં એસઓજીએ વધુ એક વખત સફળ ઓપરેશન પાર પાડી ચરસની લેતી દેતી કરતા શખ્સોને જેલનાં સળિયા બતાવ્યાં છે.