ફાઈનલમાં ભાવનગરની ટીમને હરાવી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમા ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાજ્યકક્ષા હેન્ડબોલ (બહેનો) અંડર-14, અંડર-17 અને ઓપન એઈજ વયજૂથના ખેલાડીઓનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર ઝોન, પૂર્વઝોન, મધ્યઝોન અને દક્ષિણ ઝોનના વિજેતા થયેલ ટીમોએ રાજ્યકક્ષાના હેન્ડબોલ રમતમાં ભાગ લીધો હતો. તા.20-05-2024 થી 22-05-2024 સુધી અંડર-14 (બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલ જૂનાગઢ ગ્રામ્ય તથા ભાવનગર ગ્રામ્ય વચ્ચે રમાઈ હતી, જેમાં જૂનાગઢ ગ્રામ્યની ટીમે 30:22 પોઇન્ટ સાથે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યું હતું. જ્યારે ભાવનગરની ટીમે રજત પદક મેળવ્યું હતું.
- Advertisement -
અને તૃતીય સ્થાન માટે બોટાદ અને ગાંધીનગર ગ્રામ્ય વચ્ચે સ્પર્ધા થઈ હતી. જેમાં બોટાદ ટીમે 18:07 પોઈન્ટ સાથે કાસ્ય પદક પ્રાપ્ત કર્યો હતો. વિજેતા સ્પર્ધકોને મેડલ તથા સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તા. 22-05-2024 થી તા.27-05-2024 સુધી અંડર-17 અને ઓપન એઈજ (બહેનો) સ્પર્ધા યોજાશે આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે દ્વારા હેન્ડબોલ રમતના સ્પર્ધકોને રમતક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આદરેલ પ્રયાસો વિશે માહિતગાર કર્યા હતા. તેમજ તમામ ટીમોને અભિનંદન આપ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધા સફળ બનાવવા માટે આ સ્પર્ધાના નોડલ ઓફિસર નિમેષ પટેલ, સહ-નોડલ અમિતભાઇ તેપન, રાજ્ય હેન્ડબોલ એસોસિએશન, તમામ ઓફિશિયલ સ્ટાફ તથા ટીમ મેનેજર કનકસિંહ ખેર અને યશવંતસિંહ ડોડિયાએ સ્પર્ધા સફળ બનાવવામાં ભારે જહેમત ઊઠાવી હતી.