પતિએ શિક્ષિકા પત્ની સાથેના ઝઘડામાં પોલીસને ફોન કરી દોડાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
શહેરમાં ભેસાણ ચોકડી પાસે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકાના પતિએ ગુરુવારે પોલીસને ધંધે લગાડી હતી. ગુરુવારે બપોરે 12 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ટીચર જવલનશીલ પદાર્થ લઈને આવ્યા છે અને જો બપોરે 2 વાગ્યા સુધીમાં બાળકોને સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે તો તેમને નુકસાન થઈ શકે છે’ એવો દાવો કર્યો હતો. જેના પગલે તાલુકા પોલીસ સહિતની ટીમો ડોગ, બોંબ ડિસ્પોઝબલ સ્ક્વોડ સાથે સ્કૂલ પર પહોંચી હતી અને બાળકોની સલામતીને પ્રાથમિકતા આપીને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી બાળકોને હેરાનગતિ ન થાય તે રીતે વર્ગખંડોમાંથી બહાર કાઢીને સ્કૂલના ગ્રાઉન્ડમાં ખસેડયા હતા. જોકે બેથી અઢી કલાકના સર્ચ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હતી. જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
સમગ્ર મામલે ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરનાર શખ્સના પત્ની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકની ફરજ બજાવતા હતા. બંને વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો જેના કારણે ઉશ્કેરાયેલા પતિએ મહારાષ્ટ્રથી જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકી ભર્યો અને ખોટો કોલ કર્યો હતો.
આ મામલે તપાસ દરમિયાન શિક્ષિકોની પૂછપરછ કરતા તેના પતિ રાજુ હેમારામ જાંગીડ સાથે છેલ્લા દોઢ વર્ષથી મનમેળ ન રહેતા ઝઘડા થતા હતા તેથી સી ડિવિઝન મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. માર્ચ મહિનાથી પતિ મૂકીને જતો રહ્યો હતો. ત્રણ મહિનાથી અવારનવાર ફોન કરી પૈસાની માંગણી કરતો હતો અને ઓચિંતા જૂનાગઢ આવીને ધમકી આપતો હતો. શિક્ષિકાને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેને તથા સ્કૂલને બદનામ કરવાના ઈરાદે સ્કૂલ તેમજ બાળકોમાં ગભરાટ ફેલાવવા પોલીસને પણ કર્યાની ફરિયાદ નોંધી આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.



