જૂનાગઢ મનપાની બેદરકારી પર સવાલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
વરસાદના કારણે જૂનાગઢ શહેરના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ શહેરની સુંદરતા પર પણ ડાઘ લગાવી રહ્યા છે.
- Advertisement -
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, અકસ્માત ટાળવા માટે સ્થાનિક લોકોએ જાતે જ રસ્તા પર પથ્થરો મૂકીને અને પ્લાસ્ટિકની થેલીઓ બાંધીને અન્ય લોકોને ચેતવણી આપવી પડી રહી છે. આ દૃશ્યો મહાનગરપાલિકાની બેદરકારી સ્પષ્ટ દર્શાવે છે. સ્થાનિક નાગરિકોમાં એવી ચિંતા પ્રવર્તી રહી છે કે, જ્યારે સામાન્ય લોકોને આ ખાડાઓ દેખાય છે અને અકસ્માતની બીક લાગે છે, ત્યારે મનપાના પદાધિકારીઓ કે અધિકારીઓને આ સ્થિતિ કેમ દેખાતી નથી? ના તો કોઈ બેરીકેડ મૂકવામાં આવ્યા છે, ના તો કોઈ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિસ્માર રસ્તાઓને કારણે લોકોમાં કમર અને મણકાના દુખાવાની ફરિયાદો વધી રહી છે. આ ઉપરાંત, વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. શહેરીજનો માંગ કરી રહ્યા છે કે, મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે આ સમસ્યા પર ધ્યાન આપે અને લોકોને સુવિધાજનક રસ્તાઓ પૂરા પાડે.