ભુગર્ભ ગટરનાં કારણે શહેરનાં તમામ રસ્તાઓ ખોદી નાખ્યા
વીવીઆઇપીનાં રસ્તા 15 દિવસમાં રીપેર કરવામાં આવ્યાં, સામાન્ય પ્રજા જ્યાંથી પસાર થાય તે રસ્તા મહિનાઓથી ખોદેલા :
- Advertisement -
જૂનાગઢમાં વિકાસ જરૂરી છે. વિકાસનો વિરોધ પણ થવો ન જોઇએ. જૂનાગઢ શહેર માટે મહત્વકાંક્ષી પ્રોજેકટ ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. હાલ 244 કરોડનું કામ પાણી પુરવઠા વિભાગ કરી રહ્યું છે. હવે આગળનું કામ મહાનગર પાલીકા કરશે. સ્વાભાવીક છે કે ભુગર્ભ ગટરનાં કારણે રસ્તા ખોદવા પડે, કેમકે રસ્તા ખોદ્યા વિના તો ગટર નાખી શકાતી નથી. જૂનાગઢ માટે ભુગર્ભ ગટર મહત્વની છે. પરંતુ આ કામમાં આયોજનનો અભાવ જોવા મળ્યો છે. જેનું પરિણામ જૂનાગઢની પ્રજાએ આગામી ચોમાસામાં ભોગવવું પડશે. જૂનાગઢ શહેરમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરનાં કામને કારણે તમામ રસ્તા તોડી નાખવામાં આવ્યાં છે. ઠેર ઠેર રસ્તા ખોદેલા પડ્યાં છે. રસ્તા ઉપર માટીનાં ઢગલા જોવા મળી રહ્યાં છે. કોઇ જગ્યાએ કરવા ખાતર રસ્તા રીપેર કર્યા છે. બીજી તરફ ચોમાસું દરવાજે દસ્તક દઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વહેલા વરસાદની આગાહી પણ થઇ રહી છે. બે દિવસથી વાદળા દેખાઇ રહ્યાં છે. વરસાદ નજીકનાં દિવસોમાં થશે. ચોમાસું માથે આવી ગયું હોવા છતા જૂનાગઢમાં રસ્તા રીપેરીંગને લઇ કોઇ ઠેકાણું નથી. ચોમાસા સુધીમાં રસ્તા રીપેર થાય તેવું દેખાતું પણ નથી. પરિણામે ચોમાસામાં જૂનાગઢવાસીઓની કસોટી થશે. આ જ સ્થિતી રહી તો ચોમાસામાં ચાલવું મુશ્કેલ બનેશે. વાહન પણ ચલાવી શકાશે નહી. આ ઉપરાંત તંત્રનો પણ ભેદવાભ જોવા મળી રહ્યો છે. વીવીઆઇપી જે રસ્તા પરથી પસાર થઇ રહ્યાં છે તેવા રસ્તા ઝડપથી રીપેર થઇ રહ્યાં છે. પરંતુ સામાન્ય પ્રજાનાં માર્ગો મહિનાઓથી જેમનાં તેમ પડ્યાં છે. સરદારબાગથી કલેકટર કચેરી સુધીનો માર્ગ તાજેતરમાં ખોદવામાં આવ્યો હતો. પરંતુ આ માર્ગને વહેલી તકે રીપેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ કલેકટર કચેરીથી આગળ વંથલી રોડ અક્ષર મંદિર સુધીનો માર્ગ પાંચ મહિના થયા છતા રીપેર થયો નથી. અહીં માત્ર કાકરી નાખી દેવામાં આવી છે. એક બાજુની સાઇડ લાંબા સમયથી બંધ હાલતમાં છે. એટલું જ નહી શહેરની અંદર પણ અનેક રસ્તાઓ મહિનાઓથી ખોદેલા પડયાં છે.લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ચોમાસા દરમિયાન તેમાં વધારો થશે. ચોમાસા આડે હજુ કેટલાક દિવસો બાકી છે પહેલા યુદ્ધનાં ધોરણે મનપા દ્વારા કામ ઉપાડવામાં આવે તે જરૂરી છે. ચોમાસામાં શહેરમાંથી પાસર થવું પણ મુશ્કેલ બનશે.
ચોમાસું દસ્તક દઇ રહ્યું છે પરંતુ તંત્રનાં પેટમાં પાણી હલતું નથી
- Advertisement -
ચોમાસામાં ગટરનાં કામની પણ પરીક્ષા થશે. ઘણા સમય પહેલા જવાહર રોડ ઉપર ગટરનાં કામ બાદ લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. હાલ જૂનાગઢમાં ગટરનું કામ કરવામાં આવ્યું છે, તે કેટલું યોગ્ય છે તેની જાણ તો ચોમાસામાં જ થશે. ગટરનું લેવલ નહી જળવાયું હોય તો ઠેર ઠેર પાણી ભરાશે. લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડશે. ચોમાસામાં ગટરનાં કામની પણ પરીક્ષા થશે.
ચોમાસામાં વાહન રસ્તામાં ફસાઇ જશે
જૂનાગઢમાં ભુગર્ભ ગટરનાં કારણે રસ્તા ખોદવામાં આવ્યાં છે. ચોમાસા નજીક આવી રહ્યું છે. ચોમાસામાં વાહન રસ્તામાં ફસાઇ જશે. ગત વર્ષે એમજી રોડની હાલત ખુબ જ ખરાબ થઇ હતી. ચાલુ વર્ષે ચોમાસામાં શહેરનાં મોટાભાગનાં રસ્તાની આ પ્રકારે હાલત થવાની સંભાવનાં છે. મનપા તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા રીપેર થયા તે જરૂરી છે.
ઉનાળાનાં અંતમાં રસ્તા રીપેર કર્યો
જૂનાગઢમાં દર વર્ષે ચોમાસામાં રસ્તા તુટી જાય છે. રસ્તા તુટ્યાં બાદ શિયાળામાં કોઇ જ કામ થતું નથી. ઉનાળામાં ટેન્ડર વગેરેની પ્રકિયા કરી ઉનાળાનાં અંતમાં રસ્તા રીપેર કરવામાં આવે છે. જૂનાગઢનાં લોકોને સારા રસ્તા ઉપર ચાલવાનાં ઓછા દિવસો મળે છે. ત્યારે ફરી ચોમાસામાં રસ્તા તુટી જાય છે. હાલ જૂનાગઢમાં ઉનાળાનાં અંતમાં અનેક રસ્તા નવા કરવામાં આવ્યાં છે.
તાલાલા પંથકનાં કેટલાક ગામમાં સવારે છાંટા પડયાં
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણ બદલાઇ ગયું છે. આકાશમાં વાદળ જોવા મળી રહ્યાં છે. તેમજ તેજ ગતીએ પવન ફુંકાઇ રહ્યો છે. આજે સવારનાં તાલાલા પંથકનાં કેટલાક ગામમાં છાંટા પડ્યાં હતાં. વરસાદી માહોલ બનતા ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હજું મોટાભાગનાં ખેડૂતોને ખેતર તૈયાર કરવાનાં બાકી છે. તેમજ કેરીનો પાક આંબામાં છે. સમય કરતા વહેલો વરસાદ થશે તો કેરીનાં પાકને નુકશાન થવાની સંભાવનાં છે.