નાગલપુર પાસે બનશે નવો ડેમ બનાવવા બજેટમાં જોગવાઈ કરવા સરકારની ખાતરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરને પીવાનું પાણી પૂરું પાડવા આણંદપુર, હસ્નાપુર, વિલિંગ્ડન ડેમ નવાબી કાળની ભેટ છે. આઝાદી બાદ જૂનાગઢની વસ્તી અને વિસ્તાર વધ્યા છે, પણ પીવાના પાણીના નવા સ્ત્રોત ઉભા ન થતાં ઉનાળામાં નર્મદાના પાણી પર નિર્ભર રહેવાની મનપાને ફરજ પડતી હતી.
આ સમસ્યાના ઉકેલ માટે મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેની ટીમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અસરકારક રજૂઆત કરાતા મુખ્યમંત્રીએ નવા પાણીના સ્ત્રોત ઉભા કરવા રૂા. 50 કરોડની બજેટમાં જોગવાઈ કરવા ખાતરી આપી હતી. જૂનાગઢ નજીક આણંદપર પાસેના નાગલપુરમાં ઓઝત નદી પર ડેમ બનાવવામાં આવશે, તેમાં માત્ર જૂનાગઢ મહાનગરને પીવાનું પાણી અનામત રાખવામાં આવશે. આ અંગે મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું કે આઝાદીના સાત દાયકામાં જૂનાગઢની વસ્તી અને વિસ્તાર વધ્યા છે. મહાનગરમાં ભળેલા ગામડાઓને પીવાનું પાણી પહોંચાડવા પાણીની લાઈનો બિછાવવામાં આવી છે. ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે તેથી પાણીની જરૂરિયાત વધશે. તેને પહોંચી વળવા સરકારમાં રજૂઆત કરવામાં આવતા તેનો સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્યના બજેટમાં નાગલપુર ડેમ માટે રૂા. 50 કરોડની જોગવાઈ કરવામાં આવશે.