પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને સારો પ્રતિસાદ: 19853 રૂપિયાની આવક થઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના આઝાદ ચોક પાસેની જૂની સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેમાં પ્લાસ્ટિકના બદલામાં તમને નાસ્તા સાથે સરબત સહિતની ખાધ વસ્તુઓ આપવામાં આવે છે. આ કાફેના પ્રારંભને માત્ર ચાર દિવસમાં 182 કિલો પ્લાસ્ટિક એકત્રીત કરવામાં આવ્યું છે અને ચાર દિવસમાં 19,853 રૂપિયાની આવક મેળવી છે.
- Advertisement -
ગત તા. 30 જૂન 2022ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાફે સખી મંડળની બહેનો હસ્તક છે. બહેનો પ્રાકૃતિક વસ્તુની ખેડૂતો પાસેથી ખરીદી કરી લોકોને શુદ્ધ ભોજન જમાડી રહી છે. તે ઉપરાંત આ પ્લાસ્ટિક કાફેમાં તમે પ્લાસ્ટિક જમા કરાવો તો તમને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. આ પ્રાકૃતિક કાફેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
માત્ર ચાર જ દિવસમાં 19853 ની આવક સખી મંડળની બહેનોએ મેળવી છે. અને ચાર દિવસમાં 182 કિલો પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 5 કિલો બીજા દિવસે 3 કિલો ત્રીજા દિવસે 3 કિલો અને ચોથા દિવસે 160 કિલો પ્લાસ્ટિક એકત્રિત થયું છે.