ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પરેડ અને ક્રાઈમ કોન્ફરન્સનું રેન્જ આઈજીએ આયોજન કર્યું હતું. જેમાં તેઓએ પોલીસની કામગીરીને બીરદાવી હતી.
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં રેન્જ આઈજીએ ગુનાની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, પોલીસની સુવિધા, નવા પોલીસ મથક, ક્વાર્ટર વગેરે મુદ્દે ચર્ચા કરી હતી. જૂનાગઢની ટ્રાફિક સમસ્યાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ મામલે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા અને લોકોને રાહત મળે તે માટે શનિવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આઈજીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 9 જેટલા ગુજસીટોક નોંધી 54થી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં એસપી સુબોધ ઓડેદરા આગેવાનીમાં થયેલી શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાને ધમકી, ગુરુ ગોરક્ષનાથ મૂર્તિ ખંડન કેસ, હાઇબ્રીડ ગાંજા ગેંગ સહિતના ગંભીર ગુનાઓનો સફળ ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
એસપી સુબોધ ઓડેદરાએ ટ્રાફિક સમસ્યાના નિવારણના આયોજન અંગે જણાવ્યુ હતુ કે, કોર્પોરેશન તંત્ર સાથે સંકલન કરી ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવશે. શહેરમાં જુદા-જુદા સર્કલ આસપાસ થતી બિનજરૂરી હાલાકી નિવારવા પગલા લેવામાં આવશે ઉપરાંત શહેરમાં પ્રેસર પોઈન્ટ પર ટ્રાફિક અને અકસ્માતના બનાવો બને નહીં તે માટે પોલીસ તૈનાત રહેશે. ખાસ કરીને સાંજના સમયે વિશેષ વોચ રાખવામાં આવશે. દારૂ પીને વાહન ચલાવતા શખ્સો સામે વધુ કડક કાર્યવાહી કરી અકસ્માતની ઘટના નિવારી શકાય તે દિશામાં વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે અલગ-અલગ સોંપાશે.



