ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે બોગસ સિમકાર્ડના રાજ્યવ્યાપી નેટવર્કને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ મામલે સંડોવાયેલા બે આરોપીઓમાંથી મુખ્ય આરોપી ભરત શંકર પરમાર (રહે. રાધનપુર, જી. પાટણ)ના વધુ 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપી પરમ ધીરેન અમૃતલાલ કારીયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે.આરોપીઓ ભરત શંકર પરમાર અને પરમ ધીરેન અમૃતલાલ કારીયાને રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરાતા, પ્રથમ તબક્કે આરોપી ભરત શંકર પરમારના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ સમય દરમિયાન, કઈઇ અને જઘૠની ટેકનિકલ ટીમે આગવી ઢબથી પૂછપરછ કરતા આરોપી ભરત શંકર પરમાર દ્વારા અલગ અલગ ગુનેગારોને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા માટે વિવિધ રાજ્યોમાં સિમકાર્ડ આપેલા હોવાની ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી.
પ્રથમ રિમાન્ડ પૂર્ણ થતા, આજે બંને આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી ભરત શંકર પરમારના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે આરોપી પરમ ધીરેન કારીયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી ભરત શંકર પરમારને સાથે રાખીને તેણે જે તે જગ્યાઓએ બોગસ સિમકાર્ડ આપેલા છે તે બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસને આશા છે કે આ તપાસ દરમિયાન વધુ બોગસ સિમકાર્ડનું રાજ્યવ્યાપી નેટવર્ક મળી આવે તેવી અને હજુ મોટા ખુલાસાઓ થાય તેવી પૂરતી શક્યતા રહેલી છે. આ કાર્યવાહી સાયબર ક્રાઈમ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં બોગસ સિમકાર્ડના દુરુપયોગને રોકવામાં મદદરૂપ થશે.