વ્યાજખોરોની ધમકીઓથી ગભરાયાં વિના હેલ્પ લાઈન નંબરથી પોલીસ વિભાગને જાણ કરો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિકક્ષ રવિ તેજા વાસમ શેટ્ટીના નેજા હેઠળ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના પુનિતનગર સોસાયટી, આદર્શનગર પાસે રહેતા અને ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા એક યુવકે કોરોનાના સમયમાં નોકરી ન હોવાથી પોતાના સમાજના જ કહેવાતા પ્રતિષ્ઠિત અને વગદાર બે વ્યક્તિ પાસેથી 15 લાખ અને 6 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા.
યુવકે પાંચ થી છ વર્ષ સુધી વ્યાજના દર મહિને રૂપિયા ચુકવતા હતા તેમજ એક વ્યાજખોરને 35 લાખ અને બીજાને 20 લાખ ચૂકવી દીધા હતા. છતાં યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. તેમ છતાં વ્યાજખોરો તેમને પરેશાન કરી રહ્યા હતા. કંટાળીને યુવક રાજકોટ શહેરમાં રહેવા જતો રહ્યો હતો પરંતુ ત્યાં પણ વ્યાજખોરોએ ધમકી આપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. માનસિક યાતના પોતાની ચરમસીમા વટાવી જતાં યુવકે હિંમત કરીને જૂનાગઢ પોલીસને સમગ્ર વાત જણાવીને મદદ માંગ હતી. જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ એન.આઈ.રાઠોડ તથા સ્ટાફના હે.કો.અલતાફભાઇ, વિપુલભાઈ, નિપુણભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી બંને વ્યાજખોરોને બોલાવી વ્યાજ જોઈએ કે જેલ જોઈએ…? એવું શાનમાં સમજાવીને યુવકને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ યુવકે સહપરિવાર વતી જૂનાગઢ પોલીસનો આભાર માન્યો હતો. તેમજ જૂનાગઢ પોલીસે જણાવ્યું હતું કે, વ્યાજખોરોની ધમકીથી ગભરાયા વગર હેલ્પ લાઈન નંબર પર જાણ કરો. પોલીસ પ્રજાની મિત્ર છે તેઓ તમારી મદદ માટે હંમેશા ખડેપગે ઉભી છે.