દેશભરના 506 સ્પર્ધકો ચાર કેટેગરીમાં ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 16મી અખિલ ભારતીય આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે તા.2 ફેબ્રુઆરીએ યોજાનાર આ સ્પર્ધામાં દેશભરના ચાર કેટેગરીમાં કુલ-506 સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે દોટ મૂકશે. આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને દિવ-દમણ પ્રદેશના 4 કેટેગરીમાં 506 સ્પર્ધકો ભાગ લશે. જુનિયર ભાઈઓ તથા સિનિયર ભાઈઓ મળીને 318 અને સિનિયર તથા જુનિયર બહેનો મળીને 188 બહેનો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મુકશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ જણાવ્યું હતું.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ મેડીકલ ફીટનેશ માટે આજે સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ચેક અપ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગિરનાર સ્પર્ધામાં વિજેતાઓને અપાતી ઈનામી રાશીમાં ખૂબ મોટો વધારો કર્યો છે. જેથી સ્પર્ધકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થનારને રૂ. 1 લાખની ઈનામી રાશી આપવામાં આવશે.
- Advertisement -
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઈનામી રાશિમાં વધારાથી સ્પર્ધકોનો ઉત્સાહ બેવડાયો
જૂનાગઢ 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યમાંથી સ્પર્ધકો જૂનાગઢ આવી ચૂક્યા છે. બિહારના સમસ્તીપુરથી આવેલ ગીતા કુમારી જણાવે છે કે, જૂનાગઢ અને ગિરનાર તળેટીનું આ ખુશનુમા વાતાવરણ ખૂબ પસંદ પડ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે આ વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં ખૂબ મોટો વધારો કર્યો છે. જેથી સ્પર્ધકોનો ઉત્સાહ બેવડાયો છે. તેમણે એમ પણ કહ્યું કે, સ્પર્ધામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી બિહાર રાજ્યનું નામ રોશન કરવા માંગુ છું. તેવા જ એક બિહારના સ્પર્ધક મોહમ્મદ નિઝામુદ્દીન કહે છે કે, પ્રથમ વાર ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું. અહીંયા આવાસ અને ભોજનની ખુબ સરસ વ્યવસ્થા છે તેમ જણાવતા આ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.