ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ એ ‘આદિકવી’ તરીકે ઓળખાતા ભક્તકવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે. નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એક અમીટ છાપ છોડી છે. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ કહીને ઈશ્વરને જગાડનાર આ કવિના ભક્તિકર્મથી જૂનાગઢ સમૃદ્ધ થયું છે, તો તેમના કવિકર્મથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. પ્રભાતિયાં હોય કે ભજન, લોકગીત હોય કે ગરબા દરેકને ભક્તિરસમાં ઢાળીને ઈશ્વરને સાક્ષાત થનાર કવિના ચોરામાં આજે પણ ગરબી રમાય છે, તો તેમના નામનો ગુજરાતી સાહિત્ય સર્વોચ્ચ એવોર્ડ પણ અપાય છે. જૂનાગઢને તેમના નામની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પણ મળી છે. ઘણાં વર્ષોનાં વાણાં વિતી જવા છતાં પણ હજુ એ ચિરંજીવ છે. એટલેજ તો મનોજ ખંઢેરિયાને લખવું પડ્યું હશે કેતળેટી એ જતા એવું લાગ્યા કરે છે, હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.
- Advertisement -
યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ ભાવવંદનામાં જણાવ્યુ હતુ કે જૂનાગઢને કર્મભૂમિ બનાવનાર આ ભક્તકવિએ સાહિત્યિક ગૌરવ પ્રદાન કર્યું છે. ગુજરાતી ભક્તિ સાહિત્યમાં પોતાની અમીટ છાપ છોડી જનાર આ ભક્તકવિની રચનાઓ મોટેભાગે ઝૂલણા છંદમાં જોવા મળે છે. ગાંધીજીને પ્રિય એવું વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે. જેવું માનવતાના સાચા લક્ષણો દર્શાવતું ભજન નરસિંહ મહેતાએ આ જગતને આપેલી અણમોલ શીખ છે. માત્ર ભજનની બેજ પંક્તિઓમાં આટલી સહજતાથી લોકોને જીવનનો ખરો બોધ આપી ગયા છે.



