મનપાની બેદરકારી
નરસિંહ મહેતા તળાવનાં બ્યૂટિફિકેશનની 7 વર્ષથી બજેટમાં જોગવાઇ : તળાવમાં ગાંડીવેલનું સામ્રાજ્ય : મનપા વેલ હટાવવાની તસ્દી લેતું નથી
- Advertisement -
બ્યૂટિફિકેશન માટે ક્ધસલટન્ટ પાર્ટીને લાખો રૂપિયા ચૂકવી દીધા પણ વિકાસ ન થયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનો મહત્વકાંક્ષી પ્રોજેકટ નરસિંહ મહેતા તળાવનું બ્યૂટિફિકેશન વર્ષોથી અટકીને પડ્યું છે. આ પ્રોજેકટ જાણે અભેરાઇ ઉપર મુકી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો તળાવમાં ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાયું છે. જૂનાગઢ શહેરમાં અનેક ફરવાલાયક સ્થળ છે. જૂનાગઢનાં મધ્યે આવેલુ નરસિંહ મહેતા તળાવ પણ એક ફરવા લાયક સ્થળ બની શકે તેમ છે. જૂનાગઢ મહાનગર પાલીકાએ નરસિંહ મહેતા તળાવનાં બ્યૂટિફિકેશન માટે મહત્વકાંક્ષી પ્રોજેકટ તૈયાર કર્યો છે. તળાવ ફરતે રિંગરોડ અને અન્ય સુવિધા ઉભી કરવાની તૈયારીઓ કરી છે. દર વર્ષે આ વિષયને મનપાનાં બજેટમાં સમાવી લેવમાં આવે છે. છેલ્લા સાત વર્ષથી નરસિંહ મહેતા તળાવનાં બ્યૂટિફિકેશની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલીકા બ્યૂટિફિકેશનનાં નામે એક કાકરી પણ મુકી શકી નથી. એટલું જ નહી મનપા દ્વારા ક્ધસલટન્ટ એજન્સીની નિમણુંક કરવામાં આવે છે. આ એજન્સીને કાગળ ઉપર નકશા બનાવવા માટે લાખો રૂપિયા ચુકવી દેવામાં આવ્યાં છે. પરંતુ નરસિંહ મહેતા તળાવનું બ્યૂટિફિકેશનનું કામ થયું નથી. હાલ ચોમાસાનાં કારણે તળાવમાં ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મનપા દ્વારા આ વેલ પણ દુર કરવાની તસ્દી લેવામાં આવતી નથી અને બ્યૂટિફિકેશનની વાતો કરવામાં આવી રહી છે.
બ્યૂટિફિકેશનનું કામ શરૂ થયા બાદ અટકી ગયું હતું
જૂનાગઢ નરસિંહ મહેતા તળાવનું બ્યૂટીફિકેશનનું કામ વર્ષો પહેલા શરૂ થયું હતું.તળાવ દરવાજા પાસે દિવાલ પાડવામાં આવી હતી અને કામ શરૂ થયું હતું.પરંતુ અચાનક આ કામ અટકી ગયું હતું. અહીં લોખંડની ઝાળી મારી દેવામાં આવી હતી. ત્યાર બાદ નરસિંહ મહેતા તળાવનાં બ્યૂટીફિકેશનનું કામ આગળ વધ્યું નથી.
- Advertisement -
કાલે કૉંગ્રેસ બોર્ડમાં તળાવનો હિસાબ માગશે
મનપાનાં કોંગી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષની નરસિંહ મહેતા તળાવનાં બ્યૂટિફિકેશન માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. ક્ધસલટન્ટને નકશા બનાવવા માટે લાખો રૂપિયા આપી દેવામાં આવ્યાં છે. ચૂંટણી ઉપર મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે. બાદ કોઇ જ કામ થતુ નથી. નરસિંહ મહેતા તળાવ માટે વર્ષ 2016/17થી અત્યાર સુધીમાં કેટલી વખત ક્ધસલટન્ટ નિમવામાં આવ્યા અને તેને કેટલી રકમ ચુકવવામાં આવી તેની વિગત બોર્ડમાં મુકવામાં આવે. તેમજ બ્યૂટિફિકેશનની કામગીરી ક્યારે સ્થળ ઉપર કરવામાં આવશે તેની વિગત પણ માંગવામાં આવી છે.