મનપાની સ્થાયી સમિતિનું બેઠે-બેઠું બજેટ સામાન્ય સભામાં મંજૂર
મહિલા મેયરે માતાજી અને શિવની સ્તુતિ કરી બોર્ડનો પ્રારંભ કરાવ્યો
- Advertisement -
મનપાનાં તમામ શાખાનાં અધિકારી અને કર્મચારીએ સપ્તાહમાં 4 દિવસ કોર્પોરેટરને સાંભળવા પડશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાનાં વર્ષ 2022-23નું બજેટ આજે સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટ માત્ર બે મિનિટમાં રજુ થયું હતું. સ્થાયી સમિતિનું બેઠે બેઠું બજેટ બોર્ડમાં પાસ કરવામાં આવ્યું હતું. મનપા બજેટ 395.61 કરોડનું રહેશે અને કોઈ કરવેરામાં વધારો કરવામાં આવ્યો નથી. તેમજ સ્થાયી સમિતિનાં બજેટે જે કમિશનરે વેરા વધારો સુચવ્યો હતો તે સભામાં પણ ફગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીતાબેન પરમારનું પ્રથમ બોર્ડ હોય તેથી માતાજી અને ભગવાન શિવની સ્તુતિ કરી બોર્ડનો પ્રારંભ કર્યો હતો. મનપા બોર્ડમાં પ્રથમ વખત આ પ્રકારે સ્તુતિ કરી બોર્ડનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
- Advertisement -
ડેપ્યુટી મેયર ગીરીશ કોટોચાએ કહ્યું હતું કે, કોર્પોરેટરો લાઈટ, પાણીનાં પ્રશ્ર્નો લઈને આવે છે. ત્યારે તમામ શાખાનાં અધિકારીઓએ અને કર્મચારીઓએ સપ્તાહમાં ચાર દિવસ તમામ કોર્પોરેટરોની ફરિયાદ સાંભળવી પડશે. તેમજ વોર્ડનાં એસ.આઈ.એ ફરિયાદ લઈને આવવાની રહેશે. એસ.આઈ ઘરે જતાં રહે તે ચાલશે નહીં. આ ઉપરાંત સામાન્ય સભામાં રજુ થયેલા બજેટને ભાજપનાં કોર્પોરેટરોએ આવકાર્યું હતું. જ્યારે અદ્રમાન પંજાએ કહ્યું હતું કે, અમે વિકાસ સાથે છીએ અને વિનાસની સામે રહેશું. કોંગ્રેસનાં મંજુલાબેન પરસાણાએ ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધકોના ઈનામનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મટન માર્કેટનો મુદ્દો પણ ઉઠ્યો
મટન માર્કેટની જગ્યા ફેરવવાનો મુદ્દો પણ બોર્ડમાં ઉઠવ્યો હતો. જો કે આ મુદ્દે બાદમાં ચર્ચાનું કહેવામાં આવ્યું હતું.
રસ્તાનાં મુદ્દે ગરમા ગરમી
જૂનાગઢમાં રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. આ મુદ્દે બોર્ડમાં સામાન્ય ગરમા ગરમી થઈ હતી. બાદમાં બજેટની શાંતિપૂર્વક ચર્ચા થઈ હતી.
સૌથી વધુ મહિલા કોર્પોરેટરને બજેટ આવકાર્યું
મનપાનાં મેયર મહિલા છે. ત્યારે બજેટ અંગે સૌથી વધુ ચર્ચાઓ મહિલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી. મહિલાઓએ બજેટને આવકાર્યું હતું.
ગીરીશભાઈ બધા કામ થવા જોઈએ અને યાદ રાખીશું
મંજુલાબેન પરસાણાએ કહ્યું હતું કે, ગીરીશભાઈ આ તમામ કામ થવા જોઈએ. અમે યાદ રાખીશું. ગીરીશભાઈએ કહ્યું કે, હા તમામ કામ થશે.