જૂનાગઢ મનપાના ભ્રષ્ટાચારની પોલ ખૂલી
રોડ તોડી પાણી બહાર નીકળતાં પાણીનો વેડફાટ અને રોડ ડેમેજ
- Advertisement -
ગેસ-ગટર-પાણીના આડેધડ ખોદકામથી સારા રોડ મળવાની આશા ઠગારી નીવડી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં નાખવામાં આવેલી પાણીની લાઈનોમાં થયેલી નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર, ખાસ કરીને બસ સ્ટેન્ડ રોડ પર, પાણીની લાઈનો રોડ તોડીને બહાર નીકળી રહી છે, જેના કારણે રોડ ડેમેજ થઈ રહ્યા છે, પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે, અને ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. જૂનાગઢનો બસ સ્ટેન્ડ રોડ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. આ રોડ પર પાણી વિતરણ માટે નાખવામાં આવેલી લાઈનોની કામગીરી એટલી હદે હલકી ગુણવત્તાની છે કે, જાણે લાઈનો માત્ર જમીન ઉપર પથારી દીધી હોય તેમ જણાય છે. જ્યારે પણ મહાનગર પાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે આ નબળી ગુણવત્તાની લાઈનો દબાણ સહન કરી શકતી નથી. પરિણામે, લાઈનમાંથી પાણી ફૂટી નીકળે છે અને રોડને તોડીને બહાર આવી જાય છે.આ લિકેજ માત્ર પાણીનો વેડફાટ જ નથી કરતું, પરંતુ રોડ પર સતત પાણી વહેતું રહેવાથી રોડની સપાટી ક્ષતિગ્રસ્ત થઈ રહી છે. તૂટેલા રોડ અને વહેતા પાણીને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ બંનેને મુશ્કેલી અનુભવાય છે. રસ્તા પર ગંદકી અને કાદવ જામી જતાં બસ સ્ટેન્ડ જેવા મહત્ત્વના સ્થળે પણ અસ્વચ્છ માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આડેધડ ખોદકામ અને ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અને ગેસ લાઈનો જેવી માળખાગત સુવિધાઓના નબળા નિર્માણને કારણે શહેરીજનોને સારી ગુણવત્તાના રોડ મળતા નથી.
- Advertisement -
હવે, જે પાણીની લાઈનો નાખવામાં આવી છે, તેમાં પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.આ બસ સ્ટેન્ડ રોડ પર પાઇપલાઇન નાખવામાં નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મનપા દ્વારા આ રોડ પર અવારનવાર પેચવર્ક કરીને થીગડાં મારવામાં આવ્યા છે, પરંતુ જમીનની નીચેથી લાઈન તૂટવાથી પાણી નીકળતાં ફરીથી રોડ તૂટી જવા પામ્યો છે. આ સ્થિતિ બતાવે છે કે સપાટી પરના સમારકામ કરતાં મૂળ સમસ્યા લાઈનનું નબળું અને ભ્રષ્ટાચારી બાંધકામ વધુ ગંભીર છે. સ્થાનિક લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, જ્યારે પણ મહાનગર પાલિકા પાણી વિતરણ કરે છે, ત્યારે નિયમિતપણે પાણી રોડ પર વહી જાય છે. આનાથી પાણીનો બહુમૂલ્ય વેડફાટ તો થાય જ છે, પણ શહેરના વિકાસના નામે બનેલા રોડ પણ સતત તૂટી રહ્યા છે. સ્થાનિકો આ પરિસ્થિતિને રોષપૂર્વક “ભ્રષ્ટાચારની લાઈનો” તરીકે ઓળખાવી રહ્યા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે કામગીરીમાં મોટા પાયે આર્થિક અનિયમિતતાઓ આચરવામાં આવી છે. શહેરીજનોની સ્પષ્ટ માંગ છે કે મહાનગર પાલિકાએ તાત્કાલિક ધોરણે આ સમસ્યા પર ધ્યાન આપીને માત્ર પેચવર્ક કરવાને બદલે, પાણીની લાઈનોની નબળી ગુણવત્તાના મૂળભૂત પ્રશ્ર્નને હલ કરવો જોઈએ. ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ, જેથી શહેરીજનોને પાણીનો પુરવઠો સરળતાથી મળી રહે અને શહેરના મુખ્ય માર્ગો વારંવાર તૂટતા અટકે.