બાંધકામ પરવાનગી, બિલ્ડિંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર NOCની સઘન ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા મોલ, હાઈરાઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી, બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી.ની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ શહેરમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.
- Advertisement -
મનપા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 9 શૈક્ષણિક સંસ્થાઓમાં ડેલ્ટા કેરિયર એકેડેમી, મૌલિક ટ્યુશન કલાસીસ, ગુરુજ્ઞાન એકેડેમી, યાદવ કોલેજ એન્ડ ઈન્સ્ટયુટ, આશાદિત ટ્યુશન કલાસીસ, શ્રીજી રીડીંગ લાયબ્રેરી, લક્ષ્ય રીડીંગ લાયબ્રેરી, સુવિધા રીડીંગ લાઈબ્રેરી, વિવેકાનંદ રીડીંગ લાયબ્રેરીને બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જયારે ફાયર સેફટી બાબતે કુલ -17 શાળાઓની તપાસ કરવામાં આવી,જે પૈકી 1 (એક) શાળા (એક્સેલેન્ટ હાઈસ્કુલ) જૂનાગઢને ફાયર સેફટી સુવિધા તેમજ કાર્યરત એન.ઓ.સી. ન જોવા મળતા ધારા ધોરણસરની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે.આ ઉપરાંત આજ રોજ 3 હોટેલ/રેસ્ટોરેન્ટની ફાયર સેફટી તપાસ કરવામાં આવેલ,જેમાં હોટેલ બેલેવ્યું સરોવર પોર્ટીકો, માધવ ડાયનીંગ હોલ, પાંડેજી પાર્સલ પોઈન્ટમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત હોવાનું તથા સમયસર રીન્યુ કરાવેલ હોવાનું જોવા મળેલ છે.