ભાજપનાં પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર સંજય કરોડીયાનો અણિયારો સવાલ
જૂનાગઢ મનપાનાં અગાઉનાં અધિકારી, કર્મીઓએ નિયમ નેવે મુકી મંજૂરી આપી
રીનોવેશનનાં નામે નવા બાંધકામ ખડકી દેવાયા, લોકો સાથે છેતરપીંડી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીકામાં ભ્રષ્ટાચાર અને લાલીયાવાડીને લઇ વધુ એક વખત સવાલ ઉઠ્યાં છે. જૂનાગઢમાં ગેરકાદેસર બાંધકામ એ જગજાહેર વાત છે. તે પછી વોંકળા હોય કે સરકારની માલિકીની જગ્યા હોય તેના પર બાંધકામ કરી દેવામાં આવે છે. હાલ જૂનાગઢમાં બીયુ સર્ટીને લઇ વિવાદ થયો છે. જૂનાગઢ મનપા હાઇકોર્ટનાં આદેશનો અમલ કરી બીયુ સર્ટી વિનાનાં બાંધકામને સીલ કરી રહી છે. મનપાની આ કામગીરી સામે પણ સવાલ ઉઠ્યાં છે. જૂનાગઢ શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર સંજય કોરડીયાએ કમિશ્ર્નરને ધગધગતો પત્ર લખી અણિયારા સવાલ કર્યાં છે. ભાજપનાં નેતા સંજય કોરડીયાએ પત્રમાં કહ્યું છે કે, છેલ્લા એક અઠવાડીયાથી બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદે કોમર્શીયલ બાંધકામ, હોસ્પિટલને સીલ કરવામાં આવી રહી છે. હાઇકોર્ટનાં હુકમથી થઇ રહ્યાંનું જાણવા મળ્યું છે.
અગાઉ અધિકારી અને કર્મચારીઓએ બાંધકામ મંજુરીમાં આંખ આડા કાન કરી અથવા તો ભ્રષ્ટાચાર કરી મંજુરીઓ આપવામાં આવી છે. બીયુ સર્ટી અને ફાયર એનઓસી અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યાં નથી. અગાઉ હાઇકોર્ટે 260(2)ની નોટીસ આપી હતી અને તમામ બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો. છતા પણ આજદિનસુધી આવા બાંધકામ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. રીનોવેશનનાં નામે નવા બાંધકામ કરવામાં આવી રહ્યાં છે. જે ખરેખર સામાન્ય વર્ગનાં લોકો સાથે છેતરપીંડી છે.
મહાનગર પાલીકાનાં અધિકારીઓની ભંયકર બેદરકારીને કારણે આ પરિસ્થિતી ઉભી થઇ છે. મનપાનાં અનઆવડત અને બાંધકામ મંજુરીનાં નિયમોને નેવે મુકીને આપેલી મંજુરીઓનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. હાલ જૂનાગઢમાં બીયુ સર્ટિ અંગે ઓછુ જ્ઞાન છે. ત્યારે લોકોને તેની સમજ આપવી જોઇએ. બીયુ સર્ટી અને ફાયર એનઓસી કેવી રીતે મેળે તેની માહિતી આપવી જોઇએ. આ કામમાં પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારીની નિમણૂંક કરવી જોઇએ.
- Advertisement -
સંજય કોરડીયાએ અગાઉ પણ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યાં હતા
જૂનાગઢમાં ભાજપનુ શાસન હતું ત્યારે પણ સંજય કોરડીયાએ મનપામાં ચાલતા ભ્રષ્ટાચાર ઉજાગર કર્યાં હતાં. ખાસ કરીને ટાઉન હોલનાં કામમાં થયેલા ભ્રષ્ટાચારને બહાર લાવ્યાં હતાં. અને તેની તપાસ પણ થઇ હતી.
ભાજપનાં હરેશ પરસાણા, કોંગ્રેસનાં અમિત પટેલ અને ‘આપ’નાં અતુલ શેખડાને નોટિસ
જૂનાગઢમાં બીયુ સર્ટિનાં મુદે હવે નવા નવા વળાંક આવી રહ્યાં છે. જૂનાગઢનાં નેતાઓ કહી રહ્યાં છે, આ કામગીરી અટકવી જોઇએ અને લોકોને સમય આપવો જોઇએ. જયારે અન્ય લોકોનું માનવું છે કે મહાનગર પાલીકા યોગ્ય કરી રહી છે. કાયદેસર કાર્યવાહી થવી જોઇએ. વકીલ સંજય બી. કાપડીયાએ ભાજપનાં સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશ પરસાણા, કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને આમ આદમી પાર્ટીનાં નેતા અતુલ શેખડાને નોટીસ ફાટકારી છે. સંજય કાપડીયાએ કહ્યું છે કે, હાઇકોર્ટનો કડક આદેશ છે કે બીયુ સર્ટી કે ફાયર એનઓસી ન હોય તેવા બાંધકામને સીલ કરી દેવા. મનપાનાં અધિકારીઓ બાલાજી એવન્યુમાં સીલ મારવા ગયા હતાં.ત્યારે ભાજપ , કોંગ્રેસ અને આપનાં નેતાઓએ મનપાનાં કર્મચારીઓ પણ દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તમામ સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શા માટે ન કરવી તેનો દિવસ ત્રણમાં ખુલાસો આપવા જણાવ્યું છે અને દિવસ ત્રણમાં જવાબ નહી આપે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અધિકારીઓ અને પદાધિકારીઓની બેવડી નીતિ
જૂનાગઢ મહાનગર પાલીકાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ એકનાં એક જ છે. વારંવાર સોની કજ્યો કરતા જોવા મળે છે. અગાઉનાં સામાન્ય સભામાં પણ આ પ્રકારનાં દૃષ્યો બન્યાં હતાં. પદાધિકારીઓએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. પરંતુ પાછળથી બધા એકનાં એક જ છે. હાલ બીયુ સર્ટી મુદે પણ એક જ છે. નેતાઓની તેવડ હોય તો અધિકારીઓ સામે કાર્યવાહી કરે અથવા તો નેતાઓનાં ગેરકાયદેસર બાંધકામ પર સાથે રહીને સીલ મરાવે. અધિકારીઓ અને પદાધિકારીઓની બેવડી નીતીથી બધા વાકેફ છે.


