ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વોકલ ટુ લોકલ અને સ્વદેશી અભિયાનને વેગ આપવા માટે વિવિધ જિલ્લાના ઉદ્યોગકારો સાથે વિડીયો સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં જૂનાગઢ જિલ્લાના ઉદ્યોગકારો અને એસોસિયેશનના પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ જીએસટીમાં ઘટાડો, સ્વદેશી અભિયાન અને વોકલ ટુ લોકલ મુદ્દે ચર્ચા કરી હતી. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના અને ઋજઊંઈઈઈં ના મંત્રી સંજયભાઈ પુરોહિત વડોદરા ખાતેથી જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જીએસટીના સ્લેબમાં થયેલા ઘટાડાનો લાભ લોકોને મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ કટિબદ્ધ છે. તેમણે સૌને દેશની ચીજવસ્તુઓ ખરીદીને ’વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા હાકલ કરી હતી. જૂનાગઢના અગ્રણી અને જીઆઇડીસી-1ના પ્રમુખ અમૃતભાઈ દેસાઈ પણ અન્ય ઉદ્યોગકારો સાથે આ ઓનલાઈન સંવાદમાં જોડાયા હતા. તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. સ્વદેશી અભિયાનથી સ્થાનિક ધંધા-રોજગાર, ઇન્ડસ્ટ્રીઝ અને કારીગર વર્ગને પ્રોત્સાહન મળશે. તેમણેમાં ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવા સ્વદેશી અભિયાનને સમયની જરૂરિયાત ગણાવી હતી.
જૂનાગઢના ઉદ્યોગકારોએ CM સાથે સંવાદ કરી GST ઘટાડો અને સ્વદેશી અભિયાનને આવકાર્યો
