ચાલુ વર્ષમાં મહાપાલિકાનો 51 કરોડ ટેકસ વસૂલાત કરવાનો લક્ષ્યાંક
જૂનાગઢ મનપામાં વ્યાજ માફી યોજનાની મુદ્દત 31 મે 2022 સુધી ચાલુ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા બન્યા બાદ તેની આર્થિક સ્થિતિ થોડી ડામાડોળ રહી હતી. જૂનાગઢનાં વિકાસમાં મોટાભાગે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર આધાર રાખવો પડી રહ્યો છે. જૂનાગઢ મહાનગર પાલીકાએ હવે ટેકસ ઉધરાવવા પર ધ્યાન આપ્યું છે. લોકો વધુમાં વધુ ટેકસ ભરે અને તેને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ યોજનાઓ લાવી છે. જૂનાગઢ મનપાએ ચાલુ વર્ષેનાં પ્રારંભમાં જ 4.51 કરોડનો ટેકસ વસુલી લીધો છે. વ્યાજ માફી યોજનાનો લોકો લાભ લઇ રહ્યાં છે. વ્યાજ માફી યોજના 31 મે 2022 સુધી રાખવામાં આવી છે. જૂનાગઢનાં ઉદ્યોગપતિએ એક સાથે એક જ દિવસમાં 55 લાખ જેવી માતબર રકમ ભરી છે. શહેરનાં વિકાસ માટે ગ્રાન્ટની જરૂરીયાત રહે છે. તેમજ બીજી તરફ જુદા જુદા ટેકસમાંથી પણ શહેરનાં વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ચાલુ વર્ષે ટેકસની વસુલાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જૂનાગઢ મનપાએ ચાલુ વર્ષ અને આગાઉનો ટેકસ એક સાથે ભરી આપે તો વ્યાજ માફીની જાહેરાત કરી હતી. વ્યાજ માફી યોજનાને પ્રોત્સાહન મળતા વ્યાજ માફીની તારીખ પણ લંબાવાઇ હતી. જૂનાગઢનાં લોકોએ વ્યાજ માફી યોજનાનો સારો એવો લાભ લીધો છે.જૂનાગઢ મનપાનાં કમિશ્ર્નર રાજેશ તન્નાનાં માર્ગદર્શનમાં આસી. કમિશ્ર્નર જયેશભાઇ વાજા, વિરલભાઇ જોષી સહિતની ટીમ જૂનાગઢનાં લોકો વધુને વધુ ટેકસ ભરે તેના માટે પ્રયત્ન કરી રહી છે. તેના પરિણામ સ્વરૂપે ચાલુ વર્ષમાં મનપાની તિજોરીમાં 4.51 કરોડ રૂપિયા જમા થયા છે. બીજી તરફ મનપાએ પણ ચાલુ વર્ષનો લક્ષ્યાંક 51 કરોડનો રાખ્યો છે. આ ઉપરાંત મનપાની વ્યાજ માફી યોજનાનો સામાન્ય લોકોની સાથે ઉદ્યોગપતિઓ પણ લાભ લઇ રહ્યાં છે,જેના કારણે મનપાને આર્થિક ફાયદો થઇ રહ્યો છે. ગઇકાલે જૂનાગઢનાં ઉદ્યોગપતિએ 55 લાખ જેવી માતબર રકમ જમા કરાવી હતી. જૂનાગઢનાં ઉદ્યોગપતિ નિલેશભાઇ ધૂલેશિયા દ્વારા વ્યાજ માફી યોજનાનો લાભ લઇને આશરે 55 લાખ રૂપિયા જેવી માતબર રકમનો પ્રોપર્ટી ટેકસ ભર્યો હતો. મનપા કચેરીએ જઇ કમિશ્ર્નર રાજેશ તન્નાને રૂબરૂ મળી 55 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ તકે સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ ભીંભા, વિનુભાઇ અમીપરા, આસી. કમિશ્ર્નર જયેશભાઇ વાજા, વિરલભાઇ જોષી સહિતનાં હાજર રહ્યાં હતાં. વ્યાજ માફી યોજના હજુ 31 મે 2022 સુધી અમલી રહેશે.
- Advertisement -
વ્યાજ માફી યોજનાથી
લોકોને 45 લાખની બચત
જૂનાગઢ મનપા દ્વારા વ્યાજ માફી યોજના અમલ કરી છે. તેની મુદત 31 મે સુધીની છે. જૂનાગઢનાં લોકો તેનો લાભ લઇ રહ્યાં છે. વ્યાજ માફી યોજના અંતર્ગત ટેકસ ભરતા જૂનાગઢનાં લોકોને 45 લાખની બચત થઇ છે.
વ્યાજ માફીનો લાભ લેવા ઉદ્યોગપતિએ 55 લાખની રકમ ભરી
ગત વર્ષે 36.43 કરોડનો
ટેકસ મનપાએ વસૂલ્યો હતો
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ગત વર્ષે 36.43 કરોડનો ટેકસ વસુલ્યો હતો. જૂનાગઢ મનપા વધુમાં વધુ ટેકસ ઉઘરાવવા મહેનત કરી રહી છે. તેમજ ચાલુ વર્ષે 51 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા વ્યાજ માફી જેવી યોજના પર કામ કરી રહ્યાં છે.