‘આરઝી હકુમત’ના લડવૈયાઓએ લડીને આઝાદી મેળવી જનમતમાં 99% લોકોએ ભારત સાથે જોડાવાનું પસંદ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ભારતના ઇતિહાસમાં 15 ઓગસ્ટ, 1947નો દિવસ સ્વતંત્રતાના પ્રતીક તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે. પરંતુ, આઝાદીના આ મહાપર્વની ઉજવણી સમયે પણ ભારતના કેટલાક રાજ્યો અને પ્રદેશો જેવા કે જૂનાગઢ, દીવ-દમણ, કાશ્મીર, ગોવા અને હૈદરાબાદ સ્વતંત્ર થયા નહોતા. આ પ્રદેશોએ ભારત સાથેના વિલિનીકરણ માટે પોતાની રીતે લાંબી અને કઠિન લડાઈ લડવી પડી હતી. જૂનાગઢનો ઇતિહાસ આ સંઘર્ષનું એક જીવંત ઉદાહરણ છે. 1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે, દેશી રાજ્યોને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો અથવા સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. તે સમયે, જૂનાગઢ રાજ્યના નવાબ મોહમ્મદ મહાબતખાનજી ત્રીજાએ પાકિસ્તાન સાથે જોડાવાનો એકપક્ષીય નિર્ણય લીધો, જે જૂનાગઢની પ્રજા માટે સ્વીકાર્ય ન હતો. આ નિર્ણય ભૌગોલિક રીતે પણ તાર્કિક ન હતો, કારણ કે જૂનાગઢ ચારેબાજુથી ભારતીય પ્રદેશોથી ઘેરાયેલું હતું અને તેની કોઈ ભૌગોલિક સરહદ પાકિસ્તાન સાથે મળતી ન હતી. નવાબના આ નિર્ણયથી જૂનાગઢની પ્રજામાં ભારે અસંતોષ ફેલાયો.
- Advertisement -
આથી, સ્થાનિક નેતા શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ ક્રાંતિકારી નેતાઓ, કાર્યકરો અને જનતા દ્વારા ’આરઝી હકુમત’ વચગાળાની સરકારની રચના કરવામાં આવી. આરઝી હકુમતે નવાબના નિર્ણયનો સખત વિરોધ કર્યો અને સશસ્ત્ર સંગઠન ઊભું કરીને આઝાદીનું આંદોલન વધુ વેગવાન બનાવ્યું. આ આંદોલનના ઉગ્ર સ્વરૂપ અને પ્રજાના અદમ્ય જુસ્સાથી ડરીને, નવાબ આખરે 27 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાન ભાગી ગયા. નવાબના પાકિસ્તાન ભાગી ગયા બાદ, જૂનાગઢમાં 20 ફેબ્રુઆરી, 1948ના રોજ એક ઐતિહાસિક જનમત યોજાયો. આ જનમતમાં જૂનાગઢની 99%થી પણ વધુ પ્રજાએ ભારત સાથે વિલિનીકરણની તરફેણમાં મતદાન કર્યું, જે જૂનાગઢની આઝાદી અને ભારતમાં વિલિન થવાની પ્રબળ ઇચ્છાશક્તિનો પુરાવો હતો. આ ઐતિહાસિક ઘટના બાદ, 9 નવેમ્બર, 1947ના રોજ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને સત્તાવાર રીતે ભારત સંઘનો અભિન્ન અંગ બનાવ્યું. જૂનાગઢ માટે 9 નવેમ્બર, 1947નો દિવસ સાચા અર્થમાં સ્વાતંત્ર્ય દિવસ હતો. આ દિવસ જૂનાગઢની પ્રજાના સંઘર્ષ, બલિદાન અને લોકશાહી મૂલ્યોના વિજયનું પ્રતીક બની ગયો છે. આ સુવર્ણ દિવસની યાદગીરીમાં દર વર્ષે જૂનાગઢમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જે નવી પેઢીને ઇતિહાસ અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજાવે છે.